જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે સાંજે બેઠક યોજી પોર્ટલ મારફત વિવિધ સેવાઓને
વધુમાં વધુ લોકભોગ્ય કેમ બનાવી શકાય તે મુદ્દે ચર્ચા કરીને બાદમાં શુક્રવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોતાના મંતવ્યો મહેસુલ વિભાગને આપશે
મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો પાસેથી આઈઓઆરએ પોર્ટલના સરળીકરણને લઈને સૂચનો મંગાવવામાં આવ્યા છે. જેને પગલે જિલ્લા કલેકટર આજે સાંજે બેઠક યોજી આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ શુક્રવારે તેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પોતાના મંતવ્યો મહેસુલ વિભાગને આપશે.
મહેસૂલ વિભાગ દ્વારા હાલ આઈઓઆરએ પોર્ટલ કાર્યરત છે. જે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન, ટ્રેકિંગ તથા મોનિટરિંગ સરળ, વિલંબમાં ઘટાડો, જેમ કે કાયદાની જોગવાઇ મુજબ બિનખેતી મંજૂરીની સમયમર્યાદા 90 દિવસ પરંતુ અરજીઓનું ગ્રીન, યલો તેમજ રેડ ચેનલમાં વિભાજન કરવાથી અરજીઓનું ઝડપથી નિકાલ સહિતની ખાસિયતો ધરાવે છે. આ પોર્ટલ વધુમાં વધુ સરળ બને તે માટે મહેસુલ વિભાગે તમામ જિલ્લા કલેક્ટરો પાસેથી સૂચનો મંગાવ્યા છે. જેને લઈને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે સાંજે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક બોલાવી છે.
આ બેઠકમાં રૂડાના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, નાયબ મામલતદારો, સિટી સર્વે કચેરીના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં આઈઓઆરએ અંગે ચર્ચા કરી તે અંગેના સૂચનો તૈયાર કરવામાં આવશે. જે સૂચનો આગામી શુક્રવારના રોજ મહેસુલ વિભાગ સાથેની વિડીયો કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આઈઓઆરએ હેઠળ રાજ્યની મહેસૂલી કચેરીઓમાં વિવિધ મહેસૂલી બાબતોની મંજૂરીઓ ઓનલાઈન કરવામાં આવે છે. મહેસૂલ તપાસણી કમિશનર કચેરી દ્વારા અત્યાર સુધી તપાસની પ્રક્રિયા ભૌતિક રીતે, જે તે કચેરીની મુલાકાત લઈને કરવામાં આવતી હતી. તમામ મહેસૂલી રેકર્ડ તથા પ્રક્રિયા ઓનલાઈન થયેલ છે તેથી તપાસણી પણ ઓનલાઈન કરવા માટે આઈરિસ મોડ્યુલ કાર્યરત કરવામાં આવેલ છે.
મહેસૂલી પરવાનગીઓ જેવી કે બિનખેતી, પ્રિમિયમની મંજૂરી બોનાફાઈડ પરચેઝની પરવાનગી તથા હકપત્રકની નોંધો જેવી કે વેચાણ, વારસાઈ, હકકમી, હક દાખલ અને હુકમી નોંધો તથા મહેસૂલી અધિકારીઓ દ્વારા નિર્ણય કરાતા મહેસૂલી કેસને આ મોડ્યૂલ હેઠળ આવરી લેવાયેલ છે. રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ માટે આઈઓઆરએ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જેથી રાજ્યમાં ચાલતા મહેસૂલી કેસોનું ડિજિટલાઈઝેશન થયુ છે. આ પ્લેટફોર્મ મળવાને કારણે ખાતાધારકો ઓનલાઈન વારસાઈ નોંધ કરી શકે છે. સાથે જ નોંધણી ફી સ્ટેમ્પ ડ્યૂટીની પણ ઓનલાઈન ગણતરી કરી શકે છે. ઉપરાંત ફરજિયાત ઓનલાઇન એપોઈન્ટમેન્ટ સેવાનો લાભ મળી રહ્યો છે.