- કલેકટર પ્રભવ જોશીની ઝડપી કામગીરી
- સવા મહિનામાં લેન્ડગ્રેબિંગની 730 અરજીઓનો નિકાલ, 45માં એફઆઈઆર નોંધવાય : હવે 230 જેટલી અરજીઓ પોલીસ, પ્રાંત અને મામલતદારના અભિપ્રાય સંદર્ભે જ પેન્ડિંગ
જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા લેન્ડગ્રેબિંગ કેસોનો ધડાધડ નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેને પરિણામે કલેકટર કચેરીમાં લેન્ડગ્રેબિંગના પેન્ડિંગ કેસો નિલ થઈ ગયા છે. સવા મહિનામાં લેન્ડગ્રેબિંગની 730 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાંથી 45માં એફઆઈઆર નોંધવાય છે.હવે 230 જેટલી અરજીઓ પોલીસ, પ્રાંત અને મામલતદારના અભિપ્રાય સંદર્ભે જ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત જમીન પચાવી પાડવા (લેન્ડગ્રેબિંગ એક્ટ ) પ્રતિબંધ ધારો રાજ્ય સરકારે ઓગસ્ટ-2020 થી લાગુ કર્યો છે. આ વિશેષ કાયદો લાગુ કરવાનું મુખ્ય કારણ એ છે કે દિન-પ્રતિદિન જમીન / મિલ્કતને લગતા વ્યવહારોમાં છેતરપીંડી, સરકારી / ગૌચરની જમીનો ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત તેમજ સત્તા મંડળોની જમીનો ઉપર દબાણ કરી ગેરકાયદેસર કબજો વિગેરેનો સમાવેશ થાય છે. આવા કિસ્સામાં ફોજદારી કાર્યવાહી માટે ઈન્ડીયન પીનલ કોડ તેમજ સરકારી જમીન ઉપર દબાણ અંગે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-61 હેઠળ જોગવાઈઓ છે. પરંતુ આ જોગવાઈઓની અસરકારકતા ન હોવાને કારણે તેમજ કાયદાની કોર્ટમાં પણ લાંબા સમયની કાનુની પ્રક્રિયાને કારણે આ કાયદામાં સ્પેશ્યલ કોર્ટની પણ રચના કરવામાં આવી છે.
આ કાયદા હેઠળ રાજકોટ જિલ્લામાં વર્ષ 2020થી 31 માર્ચ 2023 સુધીમાં અઢી વર્ષ દરમિયાન 601 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ચાર્જ સાંભળ્યા પછી 1 એપ્રિલ 2023થી અત્યાર સુધીમાં 730 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં 45 કેસોમાં એફઆઈઆર નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે છેલ્લા સવા વર્ષમાં લેન્ડગ્રેબિંગ કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે.
હાલ કલેકટર કચેરી કક્ષાએ એક પણ પેન્ડિંગ કેસ રહ્યો નથી. હવે માત્ર પોલીસ, પ્રાંત અને મામલતદાર કક્ષાએ અભિપ્રાય માટે 230 જેટલા પેન્ડિંગ કેસો છે. જેની છેલ્લા ત્રણેક મહિના પહેલા અરજી થઈ છે.
વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું કે સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટરને પણ લેન્ડગ્રેબિંગ એક્ટમાં સતા આપવામાં આવી છે. આ ઉપરાંત સિટીના કેસોમાં પુરવઠા અધિકારીને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આમ લેન્ડગ્રેબિંગ કેસોનો ઝડપથી નિકાલ થાય તે માટે અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે લેન્ડગ્રેબિંગના કેસોમાં હાઇકોર્ટનો સ્ટે ઉઠ્યો છે. આવા કેસો ઝડપથી ચલાવવામાં આવશે.