દ્વારકાના શિવરાજપુર બીચ પર ચાલતા ગેરકાયદે વોટર સ્પોર્ટ્સ સામે કાર્યવાહી દોર ચલાવવામાં આવ્યો છે. બીચ પર તમામ ગેરકાયદે ચાલતી સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરાઇ છે. દ્વારકા કલેક્ટરે બીચ પરની ગેરકાયદે એક્ટિવિટી બંધ કરાવી છે. પેરાગ્લાઇડિંગ કરતો યાત્રિક અકસ્માતનો ભોગ બનતાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બોટ રાઇડ, પેરાગ્લાઇડિંગ સહિતની એક્ટિવિટી બંધ કરાવાઇ છે. યાત્રિકોની સલામતીને લઇ કલેક્ટરએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
પેરાગ્લાઇડિંગ કરતો યાત્રિક અકસ્માતનો ભોગ બનતાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
દ્વારકાનાં શિવરાજપુર બિચ પર યાત્રીક પેરાગ્લાઈડિંગ કરી રહ્યો હતો. પેરાગ્લાઈડિંગ કરતા સમયે યાત્રીક નીચે પટકાયો જેના લીધે તેને સામાન્ય ઈજા પહોંચી હતી. દ્વારકાનાં બિચ પર પેરાગ્લાઈડિંગ અને સ્કૂબા જેવી એક્ટિવિટી ચાલતી હોય છે. જેમાં યાત્રીક પૈસા આપીને મજા માણવા ઊતરતાં હોય છે. પેરાગ્લાઈડિંગ દરમિયાન જ્યારે યાત્રીક સાથે બનાવ બન્યો ત્યારે અન્ય પર્યટકો બોટ રાઇડ અને પેરેગ્લાઇડિંગની મજા માણતા નજરે પડ્યા હતાં.એટલું જ નહીં કેટલાક યાત્રીકો સ્કુબાનો જોખમી રીતે આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતાં.
દ્વારકામાં એવા ઘણાં લોકો છે જે બિચ પર પેરાગ્લાઈડિંગ, સ્કૂબા ડાઈવિંગ, બોટ રાઈડિંગ વગેરે જેવી એક્ટિવિટી મંજૂરી વિના કરે છે. સુરક્ષા વ્યવસ્થા વિના જ બોટ રાઈડ્સ,પેરાગ્લાઈડિંગ અને સ્કૂબા ડાઈવિંગ ચલાવાઈ રહ્યું છે. મુસાફરોની સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આવા બનાવો બનતાં રહે છે જેના કારણે પર્યટકોનાં જીવનું જોખમ વધે છે. મંજૂરી વિનાનો આ પ્રકારનો વેપાર શિવરાજપુર, ગોમતી ઘાટ, બેટ દ્વારકા પર ચાલી રહ્યો છે. જો કે, હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.