નિષ્ણાંત ઇજનેરોની તબક્કાવાર મદદ લેવાશે : આવતીકાલે નેશનલ હાઇવે ઓથોરીટીની ટેક્નિકલ ટીમને સ્થળ તપાસ માટે બોલાવાશે : પ્રાંત-૧ પણ તપાસમાં જોડાયા

આજી ડેમ પાસે ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થયાની ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવમાં તંત્રની બેદરકારીના ઘેરા પડઘા પડ્યા છે. જેની તપાસ જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા સ્થળ વિઝીટ લઈને બનાવ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ગઈકાલે આજી ડેમ નજીક નેશનલ હાઇવે પરના પૂલની દિવાલ તૂટી પડતા બે યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા. રાજ્ય સરકારે મેજીસ્ટ્રેરીયલ ઇન્કવાયરીના આદેશો ગઇકાલે સાંજે જાહેર કર્યા હતા. જેથી જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે બ્રિજની સ્થળ વિઝીટ કરીને જાત નિરીક્ષણ કર્યું હતું. આ માટે મદદમાં સીટી-૧ પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીને પણ સાથે રખાયા છે. હાલ આ ઘટનાની ટેકનિકલ બાબતની તપાસ ચલાવવામાં આવી રહી છે.  જેમાં મુખ્ય બે મુદ્દા બનાવનું કારણ અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેના સૂચનો લેવામાં આવ્યા છે.

હાલ તપાસમાં બ્રિજ માટે વપરાયેલ માલ, કેટલો જૂનો પૂલ, તેની દિવાલમાં વપરાયેલ મટીરીયલ્સ, નેશનલ હાઇવેના અધિકારીઓના નિવેદન, કોન્ટ્રાકટરોના નિવેદન સહિતની બાબતો આવરી લેવામાં આવી છે. આવતીકાલે નેશનલ હાઇવે ઓથોરીટીની ટેક્નિકલ ટિમને પણ સ્થળ તપાસ માટે બોલાવવામાં આવી છે. ઉપરાંત ઇજનેરોની પણ મદદ લઈને તબક્કાવાર તપાસ ચલાવવામાં આવનાર છે. કલેકટર દ્વારા આ તપાસ ૧૫ દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર છે. બાદમાં તેનો રિપોર્ટ સરકારમાં કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઘટેલી આ દુર્ઘટનામાં બે નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક મેજિસ્ટ્રેરિયલ તપાસના આદેશ આપ્યા હતા. જેને પગલે આજથી જિલ્લા કલેકટર દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે.

મૃતકોને ૪-૪ લાખની સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં આજી ડેમ ચોકડી ઓવરબ્રીજની દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે નિર્દોષ નાગરિકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.મુખ્યમંત્રીએ આ બે મૃતક વ્યકિતઓના પરિવારજનોની વિપદામાં પડખે ઊભા રહેતાં બેય મૃતક વ્યકિતઓના પરિવારને રૂ. ૪-૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ગઇકાલે સોમવારે થયેલી આ દુર્ઘટનાની મેજીસ્ટ્રીયલ તપાસના આદેશો પણ રાજકોટ જિલ્લા કલેકટરને તત્કાલ આપેલા છે. વિજયભાઇ રૂપાણીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા  સ્વ.ભુપતભાઇ મીયાત્રા અને સ્વ.વિજયભાઇ વિરડા  એમ બે મૃતકોના  પરિવાર ને રૂ.૪-૪ લાખ મળી કુલ ૮ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ચુકવવાની સૂચના પણ આજે જિલ્લા કલેકટરને આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.