ક્ધડક્ટરની ભરતી માટે ઉમેદવારો હેરાન થતા હોવાથી લેવાયો નિર્ણય
જિલ્લા પંચાયત, મેડિકલ કોલેજ અને પદ્મકુંવરબા હોસ્પિટલમાંથી વધારાના તબીબ ફાળવાયા, 20 દિવસ સુધી 12 તબીબ અને તાલીમાર્થીઓ ચલાવશે વધારાના સેશન
ક્ધડક્ટર અને ડ્રાઈવરની ભરતી માટે ફર્સ્ટ એઇડ જરૂરી હોય, રેડક્રોસ સોસાયટીમાં ઉમેદવારો હેરાન પરેશાન થઈ રહ્યા હોય જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સોમવારથી વધારાના ખાસ સેશન શરૂ કરાવ્યા છે. જેથી હવે ઉમેદવારોને સરળતા રહેશે.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કંડક્ટર અને ડ્રાઈવરની સીધી ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં કંડક્ટરની કુલ 3342 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જ્યારે ડ્રાઈવરની 4062 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આમ મોટાપાયે ભરતી જીએસઆરટીસી દ્વારા હાથ ધરાઈ છે.
ડ્રાઇવર અને ક્ધડક્ટરની ભરતીમાં ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ જરૂરી હોય છે. ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ મેળવવા માટે રેડક્રોસ સોસાયટી ખાતે ખાસ તાલીમ આપવામા આવે છે.
જેમાં ઉમેદવારોને જો અકસ્માત થાય, કોઈ વ્યક્તિને અચાનક શારીરિક સમસ્યા ઉભી થાય તો સ્થળ ઉપર શુ પ્રાથમિક સારવાર આપવી તે અંગેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ મેળવનારને જ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ આપવામા આવે છે.
છેલ્લા બે દિવસથી ઉમેદવારો કલેકટર કચેરીએ આવી આવેદનો આપતા હતા. તેઓના જણાવ્યા મુજબ રેડક્રોસ સોસાયટીમાં ફર્સ્ટ એઇડનું સેશન ક્યારે શરૂ થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી રહી નથી. વધુમાં તેઓ પોતાના ભાવિને જોખમમાં મુકાઈ જવાની ભીતિ પણ વર્ણવી રહ્યા હતા. વધુમાં આ ઉમેદવારોએ રેડક્રોસ સોસાયટી ખાતે પણ ગઈકાલે હોબાળો મચાવ્યો હતો.
પરિણામે સિવિલ સુપ્રીટેન્ડન્ટ દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ માટે વ્યવસ્થા ગોઠવવાને લઈને ચર્ચા કરાઈ હતી.
બાદમાં તેઓએ જિલ્લા કલેકટરનું માર્ગદર્શન લેવા સાથે સૂચનો પણ આપ્યા હતા.
પરિણામે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અંદાજે 600 જેટલા ઉમેદવારો માટે રેડક્રોસ સોસાયટી ખાતે સોમવારથી વધારાના સેશન શરૂ કરાવવાનો નિર્ણય લીધો છે. આ માટે જિલ્લા પંચાયત, સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પદ્મકુંવરબા હોસ્પિટલમાંથી વધારાના તબીબો બોલાવીને ટોટલ 12 ડોકટર અને તાલીમાર્થીઓને આ ફરજ સોંપવામાં આવી છે. સોમવારથી 20 દિવસ સુધી આ સેશન ચલાવવામાં આવનાર છે.