- રિજનલ સાયન્સ સેન્ટર ખાતે અધિકારીઓએ બાળકો સાથે હળવી પળો માણી અને ભોજન પણ લીધું
- બાળ સુરક્ષા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પી.એમ.કેર યોજનાના 54 લાભાર્થી બાળકો સાથે “મીટ વીથ કલેક્ટર” કાર્યક્રમ યોજાયો
અબતક, રાજકોટ : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પી.એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત કોરોનાકાળમાં માતાપિતા કે વાલીની છત્રછાયા ગુમાવનાર બાળકોની સાર-સંભાળ રાખવામાં આવે છે. આ યોજનાના રાજકોટ જિલ્લાના 54 લાભાર્થી બાળકો સાથે બાળ સુરક્ષા વિભાગ, ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે “મીટ વીથ કલેક્ટર” અન્વયે હું હીરો છુંની થીમ આધારીત કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 54 જેટલા બાળકો સાથે કલેક્ટર તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ ભોજન કર્યું હતું, મહાનુભાવોએ બાળકો સાથે તેમના અભ્યાસ, તેમના શોખ, તેમના કપડા, ભોજનના ગમા-અણગમા તથા અન્ય બાબતોની વાતો કરી હતી. બાળકો કલેક્ટરને મળીને બાળકો ખુબ જ ખુશ થયા હતા. આ તકે સ્કુલમાં શિક્ષિકા તરીકે અભ્યાસ કરાવતા ડાંગર ખ્યાતિ અને તેમની નાની બહેન ડાંગર જીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારે જ્યારે પણ જિલ્લા વહીવટીતંત્રની જરૂર પડી છે ત્યારે તેઓ એક પળનોય વિચાર કર્યા વિના અમારી ત્વરિત મદદે આવ્યા છે.આ પ્રસંગે રાજકોટ શહેર પ્રાંત અધિકારી ચાંદની પરમાર, ચિલ્ડ્રન વેલ્ફેર કમિટીના ચેરમેન પ્રિતેશભાઈ પોપટ, સભ્યો, ભાસ્કરભાઈ જસાણી, રમાબેન હેરભા, રશ્મિબેન પટેલ, રીનાબેન ભોજાણી, રોજગાર વિભાગના કેરિયર કાઉન્સેલર ચેતન દવે, સમાજ સુરક્ષા અધિકારી એસ.એમ.રાઠોડ, બાળ સુરક્ષા અધિકારી અલ્પેશ ગોસ્વામી, રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટના પ્રોજેક્ટ મેનેજર સુમિત વ્યાસ તથા પી.એમ.કેર યોજનાના લાભાર્થી બાળકોના ગાર્ડીયન્સ ઉપસ્થિત રહ્યા હતા.
કોઈ પણ સમસ્યા હોય કે મુશ્કેલી, પોતાની જાતને સવાલો પુછીને તેના જવાબો મેળવવા પ્રયત્ન કરવા જોઈએ : કલેકટર
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ બાળકોને સંબોધતાં કહ્યું હતું કે, જીવન આપણને સૌને હીરો બનતાં શીખવે છે. અત્યારે દેશમાં વિજ્ઞાન, ગણિત, ટેકનોલોજી અને અંગ્રેજી સહિત વિવિધ ભાષાઓનો યુગ ચાલી રહ્યો છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓ આવા અવનવા તથા પોતાના રસ મુજબના ક્ષેત્રમાં આગળ વધીને દેશના હિતાર્થે આગળ વધવા તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.અભ્યાસ હોય કે જીવનની કોઈ પણ સમસ્યા, મુશ્કેલ લાગતી કોઇ પણ બાબત અંગે પોતાની જાતને સવાલો પુછીને તેના જવાબો મેળવવા પ્રયત્ન કરવા જોઈએ. પ્રત્યેક બાળકે પોતે નિયત કરેલા લક્ષ્યાંકને હાંસલ કરવા શકય તેટલી વધુ મહેનત કરવી જોઈએ, તેમ કલેક્ટરએ બાળકો સાથે મૂલ્યવાન સમય વીતાવતાં જણાવ્યું હતું.
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સરકાર તરફથી અપાતી વિવિધ સહાય
પી.એમ કેર ફોર ચિલ્ડ્રન્સ સ્કિમ અંતર્ગત કોરોના કાળ દરમિયાન માતા-પિતા કે વાલીની છત્રછાયા ગુમાવનાર બાળકોના નામે રૂ. 10 લાખની રકમ પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝીટ કરાવવામાં આવી છે. આ રકમ પર 18 થી 23 વર્ષ સુધી સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની સ્પોન્સરશિપ યોજના અંતર્ગત પ્રતિ માસ 4 હજાર રૂ. અને ગુજરાત રાજય મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પ્રતિ માસ 4 હજાર રૂ. લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત, પી.એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કિમ અંતર્ગત ગણવેશ અને પાઠ્ય પુસ્તકો ખરીદવા માટે રૂ. 20 હજારની શિષ્યવૃત્તિ પણ ચૂકવવામાં આવે છે.