જામનગરવાળી થતા અટકાવવા તંત્ર હરકતમાં
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજી, કેટલા બાંધકામો જર્જરીત છે તેની વિગતો પણ મેળવી
રાજકોટમાં જામનગરવાળી થતા તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા જિલ્લાના તમામ હાઉસિંગ બોર્ડની સ્થિતિનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ઉપરાંત તેઓએ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા પણ હાથ ધરી હતી.
જામનગરની સાધના કોલોનીમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં બ્લોક ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા છે. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના અનેક નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જર્જરિત આવાસ જે ધરાશાયી થયા છે. આ ઇમારતમાં 4 જેટલા પરિવારો આ ઇમારતમાં રહેતા હતા. જેમાથી ઉપરના માળે રહેતા લોકો સલામત બહાર આવી ગયા હતા.
આ ઘટનાને પગલે જિલ્લા કલેકટર તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આજે બપોરે બાદ આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિતના સંલગ્ન તંત્ર સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં હાઉસિંગ બોર્ડના કેટલા આવાસ છે. તેની સ્થિતિ શુ છે તે સહિતની વિગતોનો અહેવાલ માંગ્યો છે.
રાજકોટ જિલ્લામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો જે જર્જરિત હાલતમાં છે તેના લીધે કોઉ દુર્ઘટના ન સર્જાઈ તે માટે હાલ કલેકટર તંત્ર હરકતમાં આવ્યું છે.