રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી
ધ્વજ વંદનનાં કાર્યક્રમમાં ૨૨૦૦ વિદ્યાર્થીનીઓ સાંસ્કૃતિક કૃતી અને ૧૧૦ બાળકો યોગ નિદર્શન રજુ કરશે: વિવિધ કરતબો અને રાસ ગરબાની પણ જમાવટ થશે
રાજકોટ ખાતે ચાલી રહેલ પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અન્વયે તા. ૨૪ થી ૨૬મી જાન્યુઆરી દરમિયાન વિવિધ આકર્ષણરૂપ અને રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમો યોજાશે.
જેમાં માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને ડી.આર.ડી.એ. રાજકોટ દ્વારા મહામહિમ રાજ્યપાલ દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં રંગ છે રાજકોટ થીમ આધારીત મેગા ઇવેન્ટ યોજાશે. આ ઉપરાંત હસ્તકલા મેળો, પુસ્તક મેળો, શસ્ત્ર પ્રદર્શન, મશાલ પી.ટી., ફલાવર-શો, સેલ્ફાઇનાન્સ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વાર કાર્નિવલ, લાઇટનીંગ પ્રાજેકટ જેવા વિવિધ કાર્યક્રમો યેાજાશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા અને દેશની આન-બાન-શાન તીરંગાને સલામી આપવા સર્વે જનતાને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.
તા.૨૬મી જાન્યુઆરીના રોજ રેસકોર્ષ ગાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાજયપાલ દેવવ્રતજી દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેશની આન, બાન અને શાન તીરંગાને સલામી અપાશે.
આ પ્રસંગે રજુ થનાર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિવિધ ૯ સ્કુલની ૨૨૦૦ વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજુ થશે. જયારે ૧૧૦૦ જેટલા બાળકો દ્વારા યોગ નિદર્શન યોજાશે. આ કાર્યક્રમમાં પોલીસના જવાનો ( ભાઇઓ બહેનો) દ્વારા પણ શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થનાર છે. જેમાં પરંપરાગત રાસગરબાની કૃતિઓ રજૂ થશે. આ ઉપરાંત જિમનાસ્ટીક અને મલખમના કરતબ સહિત જાંબાઝ મોટર સાઇકલ સવારો દ્વારા વિવિધ કરતબો રજૂ થશે. ચેતક કમાન્ડો દ્વારા રેસ્કયુ ઓપરેશનનો ડેમો રજુ થશે. શ્વાન દળ દ્વારા સ્પે. ડોગ-શો અને થનગનાટ કરતા અશ્વો દ્વારા અશ્વ-શો પણ રજુ કરાશે.