રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 73 સંસ્થાના 9524 પશુઓ માટે 2,62,86,240 રૂપીયાની રકમ ચૂકવાઈ: પાંચ સંસ્થાઓ માટે 9,603 પશુઓ માટે રાજય કક્ષાએથી 2,65,04,280 રૂપીયા ચૂકવાશે
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ અનુસાર ગાય એ માનવજીવન માટે અત્યંત આવશ્યક અને પુજનીય પ્રાણી છે. હિન્દુ ધર્મના લોકો ગાયમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ હોવાનું માને છે. આમ પણ ગાયના દુધ, દહીં, છાશ, માખણ, ઘી સૌથી વધુ પૌષ્ટિક, શ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર પુરવાર થયેલ છે. તદઉપરાંત તેના મળમુત્ર અને છાણ પણ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર હોવાથી ગાયને કામધેનું પણ કહેવાય છે.
પ્રાચીન સમયમાં સોનારૂપા સાથે ગાયોનું દાન ખૂબ મહત્વપૂર્ણ ગણાતું હતું. ઘરમાં ગાયોની સંખ્યા સમૃધ્ધિનું પ્રતીક મનાતી હતી. ઘરમાં પોતીકો કુવો, આંગણામાં તુલસી અને પીપળાનું વૃક્ષ તથા આંગણે ગાયનું હોવું ઘરની પવિત્રતામાં વૃધ્ધિજનક મનાતું હતું. આમ ગાય એ પુરાતન કાળથી જ માનવ જીવન સાથે જોડાયેલ અભિન્ન અંગ છે.
વર્તમાન સમયમાં ગુજરાત સરકારે અભિનવ અભિગમ અપનાવી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરીને સમગ્ર દેશમાં એક નવી પહેલ કરી છે. નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના શુભ અવસર પર આદ્યશક્તિ ધામ અંબાજી ખાતેથી કરાવ્યો હતો. આ યોજના હેઠળ, ગાયોની જાળવણી માટે પહેલેથી જ ખોલેલી ગૌશાળાઓ અને પાંજરાપોળને અથવા નવી ગૌશાળા ખોલવા પર સંચાલકને પશુ દીઠ પ્રતિ દિન 30 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. જેનાથી ગૌશાળાઓમાં આરોગ્ય સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. અને ગાયોને અપાતા ખોરાક-પાણી-સારવારનું સુદ્ઢ સંચાલન કરીને ગાયોનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકાશે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાના સંચાલન માટે સરકાર દ્વારા દર વર્ષે રૂ. 500 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ યોજના દ્વારા વિવિધ સ્થળોએ નવી ગૌશાળાઓ ખોલવામાં આવશે, જેથી ગાય માતાને રક્ષણ મળશે.
આ યોજના થકી ગુજરાતમાં ગૌવંશના જતન અને સંવર્ધનમાં અનેક ગણો લાભ થયો છે. મુંગા પશુઓ માટે સંવેદના દાખવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ અને રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબુએ આ યોજનાના ત્વરિત અમલીકરણ થકી સમગ્ર ગુજરાતમાં વધુ અને ત્વરિત લાભ આપી આગવી દિશા કંડારી છે.
આ અંગે વધુ વિગતો આપતા પશુપાલન અધિકારી ડો. ખાનપરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત બે રીતે સહાય ચુકવવામાં આવે છે. એક હજારથી ઓછું પશુધન ધરાવતી ગૌશાળાઓને જિલ્લા કક્ષાએથી અને એક હજારથી વધુ પશુધન ધરાવતી સંસ્થાઓને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત દ્વારા 73 સંસ્થાના 9524 પશુઓ માટે દૈનિક રૂપિયા 30 લેખે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર માસના 92 દિવસના રૂ. 2,62,86,240/- રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. આવી જ રીતે અન્ય પાંચ સંસ્થાઓ પાસે 9,603 જેટલું પશુધન છે અને તેમને રાજ્યકક્ષાએથી 2,65,04,280/- રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.
ગાય માતાના નિભાવ ખર્ચ માટે આપેલી રકમ મદદરૂપ થશે: હરીભાઈ પરમાર
આભાર વ્યક્ત કરવા કલેકટર કચેરીએ રૂબરૂ આવેલા સિધ્ધાર્થ ગૌશાળાના હરીભાઈ પરમાર જણાવે છે કે, અમે 16 વર્ષથી તરઘડીયા ચોકડી ખાતે ગૌશાળા ચલાવીએ છીએ અમે 270 જેટલા નિરાધાર પશુઓને દાતાઓની મદદ તથા સ્વખર્ચે નિભાવી રહ્યા હતા. આવા સંજોગોમાં એક સમયે ગૌશાળા બંધ કરવી પડે તેવી હાલતમાં હતી પરંતુ રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના થકી અમારી ગૌશાળાની ગાયો માટે રૂ. 6,76,200 ની સહાય મળી છે. જે અમારી સંસ્થાની ગાય માતાઓના નિભાવ ખર્ચ માટે ખૂબ મદદરૂપ થશે. આ મદદ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુનો તેમજ આ યોજનાનો લાભ લેવા માટે માહિતી પુરી પાડનાર તેમજ જરૂરી પ્રક્રિયાઓ પુર્ણ કરવામાં સાથ આપનાર એનિમલ હેલ્પલાઇનના અગ્રણી મિતલભાઇ ખેતાણી અને પ્રતિકભાઇ સંધાણીનો આભાર વ્યકત કર્યો હતો.
રકમ ચૂકવાતા હવે અમારા પશુધન માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવીશું: દેવુબેન મકવાણા
દેવુબેન વાલજીભાઈ મકવાણાએ કહ્યું હતું કે, કાળીપાટ ગામ પાસે અંદરના સીમ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી નિરાધાર પશુઓ માટે હું એકલા હાથે ગૌશાળા ચલાવું છું. મારી ગૌશાળા સીમ વિસ્તારમાં હોવાથી પાણી-ઘાસચારો અને જરૂરી સારવારની સમસ્યાઓ હતી. રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના થકી અમારી કરુણા ગૌશાળા પ્રત્યે કરુણા દાખવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કલેક્ટર દ્વારા અમોને રૂ 16,69,800 જેટલી રકમ ચૂકવવામાં આવી છે. જેથી અમારા 650 જેટલા પશુધન માટે ઘાસચારો પાણી અને સ્વાસ્થ્યની સુવિધા ઉપલબ્ધ કરાવી શકશું.