સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય બંધ પરંતુ સ્ટાફે અનુકુળતા મુજબ હાજરી આપવી: કુલપતિ
રાજકોટ શહેરમાં ગત મધરાતથી મેઘાના મંડાણ થયા છે. આજે સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો હોવાના કારણે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા શહેરની તમામ શાળા-કોલેજો ભારે વરસાદના કારણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 10 દિવસ પૂર્વે શાળામાં ધો.6 થી 8નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે.
આજે કેટલીક શાળાઓમાં યુનિટ ટેસ્ટ લેવામાં આવનાર હતી પરંતુ ભારે વરસાદના કારણે શાળા બંધ રાખવાના કલેકટરના આદેશ આપવામાં આવ્યા હોવાના કારણે યુનિટ ટેસ્ટ કેન્સલ કરવામાં આવી હતી. કલેકટરના આદેશના પગલે આજે સવારથી રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં શાળા અને કોલેજો બંધ છે.
દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે આજે યુનિવર્સિટી હસ્તકની તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે પરંતુ સ્ટાફની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. ગઈકાલે રાતથી આજે સવાર સુધીમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ થોડીવાર માટે મેઘરાજાએ વિરામ લીધો હતો અને ફરી અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું છે.