અડધીરાતે મસમોટી કેન્ટીન બની ગઈ, કચેરીની સિકયુરીટી પર ઉઠતા સવાલો
કચેરીના પાછળના ભાગે જગ્યા આપી હોવા છતાં સખી મંડળે અડધી રાતે રોડ ટચ બગીચામાં વૃક્ષોનું નિકંદન વાળી ૨૫ * ૧૫ ફુટની મોટી કેન્ટીન ખડકી દીધી
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના પરીષદમાં રાતોરાત મંજુરી વિના કેન્ટીન ખડકી દેવામાં આવતા કચેરીની સિકયોરીટી પર અનેક સવાલો ઉઠયા છે. કેન્ટીનના આ દબાણથી કલેકટર કચેરી અસુરક્ષિત હોવાની ચર્ચાએ જોર પકડયું છે. તંત્ર દ્વારા કચેરીના પાછળના ભાગે સખીમંડળના કેન્ટીન માટે જગ્યા આપી હોવા છતાં સખીમંડળે અડધી રાતે રોડ ટચ બગીચામાં વૃક્ષોનું નિકંદન કરીને ૨૫*૧૫ ફુટની મસમોટી કેબીન ખડકી દીધી છે.
જિલ્લા કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અહીં આવતા અરજદારોને નાસતા-પાણી માટે સરળતા રહે તે અર્થે વહિવટી તંત્ર દ્વારા કચેરીના પાછળના ભાગે ગોંડલ તાલુકાના સુલતાનપુર સખીમંડળને કેન્ટીન બનાવવા માટે મંજુરી આપવામાં આવી હતી. બાદમાં આ સખીમંડળે જગ્યા બદલાવવા માટે અનેક કાવાદાવા કર્યા હતા. અંતે ગઈકાલે રાત્રે ૨:૦૦ વાગ્યે સખીમંડળ દ્વારા કોઈપણ જાતની પરવાનગી માંગ્યા વિના કલેકટર કચેરીના બગીચામાં વૃક્ષનું નિકંદન કરીને ૨૫*૧૫ ફુટની મસમોટી કેન્ટીન ખડકી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના જિલ્લા કલેકટરોએ કચેરીમાં સ્વચ્છતા જળવાય તે માટે ચાની કેન્ટીનને પણ મંજુરી આપી ન હતી પરંતુ અત્યારે તો કલેકટર કચેરીની શોભા ગણાતા બગીચામાં વૃક્ષનું નિકંદન કરીને મંજુરી વિના મસમોટી કેબિન ખડકી દેવામાં આવી છે. વહિવટીતંત્ર દ્વારા સખીમંડળના લાભાર્થે કચેરીની પાછળની જગ્યાએ કેન્ટીન બનાવવા માટે મંજુરી આપી હતી જયારે સખીમંડળે રોડ પરની ગ્રાહકી મેળવવા માટે રોડ ટચ બગીચામાં કેન્ટીન બનાવી નાખી છે. આ રોડ પર અગાઉથી જ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે ત્યારે જો આ કેન્ટીન શરૂ થશે તો ટ્રાફિકની સમસ્યામાં વધારો થશે.
અડધીરાતે બનાવવામાં આવેલી આ કેન્ટીનની સાઈઝ ૨૫*૧૫ ફુટની છે. અંદર અદ્યતન સુવિધાઓ પણ છે. ઉપરાંત પાણીની પાઈપલાઈન અને વાયરીંગ પણ કરવામાં આવ્યું છે. અડધીરાતે આ પ્રકારની સુવિધાવાળી કેબિન ખડકવા માટે મોટા કાફલાની મદદ લેવાઈ હશે ત્યારે આ કાફલો કલેકટર કચેરીનો ગેઈટ ઠેકીને અંદર પ્રવેશ્યો હશે. આ ઘટનાને પગલે કચેરીની સિકયુરીટી પર અનેક સવાલો ઉઠયા છે.
સખીમંડળને હાજર થવાનું ફરમાન કરાયું છે: એડીએમ
બનાવ સંદર્ભે અધિક જિલ્લા કલેકટર પરીમલ પંડયાને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, સખીમંડળને પ્રથમ કચેરીની પાછળના ભાગે કેન્ટીન બનાવવા માટે મંજુરી આપવામાં આવી હતી બાદમાં તેઓએ જગ્યા બદલાવવાનું કહ્યું હતું ત્યારબાદ કોઈપણ જાતની જાણ કર્યા વગર ગઈકાલે કેબીન ઉભી કરી દીધી હતી. હાલ સખીમંડળને તાત્કાલિક હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
સખીમંડળના નામે વેપલો કરવાનું મોટામાથાઓનું કારસ્તાન ?
વહિવટી તંત્ર દ્વારા સુલતાનપુર સખીમંડળને કલેકટર કચેરીના પાછળના ભાગે કેન્ટીન બનાવવા માટે મંજુરી આપવામાં આવી હતી ત્યારે પાછળના ભાગે માત્ર કલેકટર કચેરીના કર્મચારીઓની જ ગ્રાહકી લાગુ પડતી હોય જેથી સખીમંડળે કોઈપણ જાતની મંજુરી વિના ગઈકાલે રોડ ટચ બગીચા પર રોડની દિશામાં કેન્ટીન ખડકી દીધી છે. જેથી રોડ પરની પર ગ્રાહકી લાગે. મોટામાથાઓએ સખીમંડળના નામે મોટો વેપલો કરવા માટે આ પ્રકારનું કારસ્તાન રચ્યું હોવાની ચર્ચાએ પણ વેગ પકડયો છે.