નિર્દોષ લોકો સામે ગુનો નોંધ્યાનો આક્ષેપ, ન્યાયિક તપાસ કરીને પીએસઆઇની બદલી કરવાની માંગ
પડધરી પીએસઆઇ દ્વારા તાજેતરમાં ૯ લોકો સામે રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બનાવના વિરોધમાં કારડીયા રાજપૂત સમાજ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યો હતો.
સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં આવેલા લોકોએ અધિક કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદન પત્ર પાઠવીને ઘટનાની ન્યાયિક તપાસ કરાવીને પીએસઆઇની બદલી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગત તા. ૯ના રોજ મોડી રાત્રે પડધરી ગામમાંથી પોલીસની ટીમે એક શખ્સની ધરપકડ કરી હતી. આ આરોપી પોલીસ જાપ્તામાંથી પોલિસ સાથે ઝપાઝપી કરી એક કોન્સ્ટેબલને મારીને ભાગી ગયેલ હતો. આ શખ્સ નાના રાજપૂતવાસમાં માવજીભાઈ જેમલભાઈ ગોહેલના ફળિયામાં દોડતો ઘુસી આવેલ અને ત્યાંથી નાશી છુટેલ હતો. તેની પાછળ એક પોલીસ કોન્સ્ટેબલ સાદા ડ્રેસમાં દોડતા આવીને માવજીભાઈના ઘરના બારણાને પાટા મારી ખોલવાની કોશિશ કરેલ હતી. ત્યારે આજુબાજુના લોકોએ મળીને પોલસક્રમીને ચોર સમજીને પકડી પાડેલ હતો. આ પોલીસક્રમીએ તેનો પરિચય આપતા લોકોએ તેમને પાણી પીવડાવેલ અને બાઇક ઉપર પોલીસ સ્ટેશન સુધી પહોંચાડેલ.
ત્યારબાદ પીએસઆઇ જે.વી. વાઢીયાએ ઘરેથી માવજીભાઈ જેમલભાઈ ગોહેલ, મનીષભાઈ ગોહેલને પોલીસ સ્ટેશને લઈ જઈને તેમને ઢોર માર માર્યો હતો. તેમની સામે તથા અન્ય નિર્દોષ ૮ લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનાની ન્યાયિક તપાસ થાય તથા પીએસઆઇ જે.વી. વાઢીયાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે અને આ ઘટનાનો ભોગ બનેલાને ન્યાય આપવામાં આવે. જો આ રજૂઆતને ધ્યાને લેવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમ જણાવાયું હતું.