- જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ બોટમાં બેસી દિવડાઓ વડે સંગમ આરતી કરી
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે ઢળતી સાંજે હિરણ-કપિલા અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે એવા પવિત્ર ત્રિવેણીઘાટ પર બોટિંગની શરૂઆત કરાવી હતી. કલેક્ટર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા મુછાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવી જાની, અગ્રણી મહેન્દ્ર પીઠિયા સહિતના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ બોટમાં બેસીને દિવડાઓ વડે સંગમ આરતી કરી સાગર અર્ધ્ય અર્પણ કર્યું હતું.
કલેક્ટરએ નવીન ઉપક્રમની શરૂઆત કરાવતા જણાવ્યું હતું કે, બનારસમાં જે રીતે શ્રદ્ધાળુઓ બોટમાં બેસીને ગંગા આરતી કરે છે, તે જ તર્જ પર અહીં શ્રદ્ધાળુઓ બોટમાં બેસીને સંગમ આરતી કરી શકશે. નિયમોનુસાર લાઇસન્સ પ્રક્રિયા પૂર્ણ કરીને આજે બોટિંગની શરૂઆત કરવામાં આવી છે. બોટિંગ માટે જે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સલામતી અને સેફ્ટીના તમામ ધોરણો સાથે આ બોટિંગની શરૂઆત કરવામાં આવી છે. ભવિષ્યમાં વધુને વધુ શ્રધ્ધાળુઓ તેનો લાભ લે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે.
કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે, અહીં અસ્થિ વિસર્જન માટે પણ લોકો આવે છે એમની સુવિધામાં પણ આ બોટિંગથી લાભ મળશે. આ સાથે સામે કાંઠે રહેલા રામેશ્વર મંદિર જવા માટેની સુવિધા પણ ઉભી થશે. આ અવસરે અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કોટેચા