સાંણીના જમીન કૌભાંડમાં ડેપ્યુટી કલેકટરની સાંઠગાંઠી જમીનનો કબજાફેર કરી નખાયો હતો

રાજકોટ તાલુકાના કુચીયાદડ ગામે વર્ષો પૂર્વે સાંણીમાં અપાયેલી જમીનને રાતો રાત અમદાવાદ હાઈવે ટચની બનાવી દઈ પૂર્વ ડેપ્યુટી કલેકટર સહિતનાઓ દ્વારા આચરમાં આવેલા કબજાફેર જમીન પ્રકરણને રીવીઝનમાં લઈ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આ પગ કરી ગયેલી જમીનને ખાલસા કરવા હુકમ કરતા આ જમીન ખરીદનારાઓને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ તાલુકાના કુચીયાદડ ગામના સરકારી ખરાબાના સર્વે નં.૨૫૬માં વર્ષ ૧૯૭૬માં સાંણી અંગેના હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં છેડછાડ કરી પૂર્વ ડેપ્યુટી કલેકટર,મામલતદાર, સર્કલ ઓફિસર, તલાટી કમ મંત્રી અને ડીઆઈએલઆર કચેરીના ભ્રષ્ટ સ્ટાફ દ્વારા રાતો રાત આ જમીનના કબજાફેર કરી મુળ જમીન અન્યત્ર આવેલી હોવા છતાં અમદાવાદ હાઈવે પર જમીન દર્શાવી મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેના પગલે તત્કાલીન કલેકટર ડો.વિક્રાંત પાંડેએ સુઓમોટો કાર્યવાહીરૂપે કુચીયાદડના આવા આઠ જમીન પ્રકરણોને રીવીઝનમાં લીધા હતા.

દરમિયાન જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ કુચીયાદડના આ ચકચારી કબજાફેર સાંણીની જમીન પ્રકરણમાં મુળ ગ્રાન્ટી ભરવાડ જુઠા વેજા અને રવા મુળુ કોળી દ્વારા વેંચાણ કરવામાં આવેલી જમીનની નોધો રદ્દ કરી આ જમીન ખરીદનારા પરીત વિજેત શાહ અને માલતીબેન બચુભાઈ આંત્રોલીયા દ્વારા ખરીદ કરવામાં આવેલી જમીનના વેંચાણ વ્યવહારોની નોંધો રદ્દ કરવા હુકમ કરી આ જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો છે.

વધુમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ કુચીયાદડના સ્થળફેર કૌભાંડમાં માલતીબેન બચુભાઈ આંત્રોલીયાની સર્વે નં.૨૫૬ પૈકી ૪૧ની અને પરીત વિજેત શાહની ૨૫૬/૧ પૈકી ૪ની કુલ મળી ૮ થી ૧૦ એકર જમીન સરકાર હસ્તક લેવા હુકમ કરવાની સાથે સાંણીનો હુકમ, મામલતદારનો જૂની શરતનો હુકમ, પ્રાંત અધિકારીનો રિવ્યુ હુકમ, વેંચાણ નોંધ અને ડીઆઈએલઆર દ્વારા જમીનના કબજા અંગે કરવામાં આવેલા પંચરોજકામ અને નકશાઓ પણ રદ્દ કરવા આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કુચીયાદડના આ ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલીન જિલ્લા કલેકટરે સ્થળ ફેર અને સાંણીમાં રાજીનામુ આપેલ વ્યક્તિને જમીનની નવેસરી ફાળવણી કરવા બદલ ડેપ્યુટી કલેકટરને શો-કોઝ નોટિસ ફટકારવાની સાથે કૌભાંડમાં સલવાયેલા ડીઆઈએલઆરના સર્વેયરો અને તલાટી કમ મંત્રી વિરુધ્ધ કડક પગલા ભરવા હુકમ કર્યો હતો પરંતુ આજદીન સુધીમાં તાલુકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરને સસ્પેન્ડ કરવા સીવાય એક પણ જવાબદારી કર્મચારી સામે પગલા ન લેવાતા આશ્ર્ચર્ય સર્જાયું છે.

મૂળ સાંણીદારોએ જૂનો કબજો યાવત રાખી ખનખનીયા બનાવી લીધા

કુચીયાદડના જમીન કૌભાંડમાં અધિકારીઓની સાંઠગાંઠી હાઈવે ટચની જમીન બતાવી સરકારની કરોડોની કિંમતી જમીન હડપ કરવાના આ પ્રયાસમાં મુળ સાંણીદારોને તો કોઈ જ પ્રકારનું નુકશાન થયું નથી કારણ કે અભણ ગણાતા આ સાંણીદારોએ જે તે સમયે સરકાર દ્વારા આપવામાં આવેલી મુળ જમીનનો કબજો યાવત રાખ્યો છે અને આ ખાલસા હુકમ બાદ જે કાંઈ ભોગવવામાં આવ્યું છે તે પણ આ જમીન ખરીદનારાઓ માલેતુજારોના હિસ્સે આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.