સરસ્વતી વિઘામંદીર સંકુલના ચેરમેન, ટ્રસ્ટી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ આણંદપર પ્રા.શાળાની મુલાકાત લીધી: પ્રાથમીક શાળાકીય શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવી તેને નંદનવન બનાવવાના પ્રો.ગુપ્તાના અભિયાનને આવકારતા અપૂર્વ મણિઆર
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા તથા તેમના પત્ની પ્રો. અનુજા ગુપ્તાએ રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા આણંદપર ગામની દત્તક લીધેલી પ્રાથમિક શાળા નંબર-૨ની મુલાકાત સૌરાષ્ટ્ર શિક્ષણ સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર અને ટ્રસ્ટી કેતનભાઈ ઠક્કર તથા વ્યવસ્થાપક કમિટીનાં સદસ્યો ખંતીલભાઈ મહેતા, ભાવિકભાઈ મહેતા, નીલભાઈ ગોવાણી અને સમીરભાઈ પંડિતએ લીધી હતી. આણંદપરની સરકારી શાળાની મુલાકાત અંગે રાજકોટ સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, પ્રો. અનુજા ગુપ્તામાં પ્રાથમિક શિક્ષણમાં ખૂટતી કડી પૂરવા માટેની તત્પરતા અને તૈયારી જોઈ શકાય છે.
પ્રાથમિક શાળાકીય શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવી તેને નંદનવન બનાવવાનું પ્રો. અનુજા ગુપ્તાનું અભિયાન આવકારદાયક અને અનુકરણીય છે. સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, એથ્લેટિક્સ મેદાન, રનિંગ ટ્રેક, સ્કેટિંગ રિંગ અને ખાસ તો શાળાના જ એક ઓરડામાં જીઓગ્રાફી, સાયન્સ અને મેથેમેટિક્સની સ્માર્ટ લર્નિંગ લેબ સાથે એનસીસી ટ્રેનીંગ, નૃત્યના વર્ગો, મહેંદી મૂકવાની તાલીમ, મોબાઈલ રીપેરિંગ સહિતના ટેકનિકલ કોર્સ અને ઘનિષ્ઠ વૃક્ષારોપણ થયા બાદ આ શાળા અન્ય શાળાઓ માટે રોલમોડેલ સાબિત થશે.
અનુજા ગુપ્તાજીનાં સરકારી શાળા દત્તક લઈને શાળાનાં પ્રાંગણમાં ભારત માતાનું મંદિર બનાવવાનાં, કસરત કરવા માટેનો અખાડો ઉભો કરવાના અને શાળામાં જ સેનેટરી નેપકિન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવાનાં પ્રયત્નો પ્રસંશનીય છે.
આ શાળામાં કોઇપણ વ્યક્તિનું સ્વાગત વંદે માતરમ દ્વારા કરવામાં આવતા જ અહીં આપવામાં આવતા સંસ્કારલક્ષી મૂલ્યનિષ્ઠ શિક્ષણનાં દર્શન થાય છે. એક સમયે રાજકોટ જિલ્લાના આણંદપર ગામની પ્રાથમિક શાળા નંબર-૨નાં ઘાસિયા મેદાનોમાં અનેક સર્પો ફરતા હતા.
પરંતુ આજે અહીં રમતગમતનાં મોટા મેદાન સાથે સરસ મજાની શાળા બની ગયા છે અને અનેક બાળકોનો કિલ્લોલ ગુંજી રહ્યો છે જે પાછળ રાજકોટ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા તથા તેમના પત્ની પ્રો. અનુજા ગુપ્તાની મહેનત અને માર્ગદર્શન જવાબદાર છે. આ ઉપરાંત સરકારશ્રીએ પણ આ શાળાને શ્રેષ્ઠ બનાવવા જરૂરી તમામ સહાય પૂરી પાડી છે એ બદલ અપૂર્વભાઈ મણીઆરે શૈક્ષણિક ક્ષેત્રમાં નોંધનીય કાર્ય કરવા માટે પ્રો. અનુજા ગુપ્તા, કલેકટર રાહુલ ગુપ્તા અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.