ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા તલાટીઓનાં ટ્રાન્સફરનો ઘાણવો ઉતર્યો, ૧૫ને માંગણી અનુસાર બદલી અપાઈ
રાજકોટ જિલ્લામાં વહિવટી સરળતા ખાતર મહેસુલી તલાટીનાં માળખામાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. ગતરોજ સાંજે જિલ્લા કલેકટર દ્વારા એક સાથે ૧૨૨ રેવન્યુ તલાટીની બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેવન્યુ તલાટીઓની બદલીનો ઘાણવો ઉતર્યો ન હતો. મહેસુલ વિભાગનાં નિયમ મુજબ અધિકારી કે કર્મચારી છેલ્લા ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા હોય તો તેની બદલી કરવાની થતી હોય છે.
જેમાં રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેવન્યુ તલાટીઓની બદલી ન થઈ હોવાથી તલાટીઓ ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહ્યા હતા. જેથી જિલ્લા કલેકટર રેમ્યા મોહને વહિવટી કચેરીઓમાં સરળતા ખાતર મહેસુલ વિભાગનાં નિયમ મુજબ ગઈકાલે સાંજે એક સાથે ૧૨૨ જેટલા રેવન્યુ તલાટીઓની બદલીનાં હુકમ કર્યા છે. જેનાં ૧૫ જેટલા તલાટીઓની તેમની માંગણી મુજબ બદલી કરવામાં આવી છે. જેથી તેઓને બદલી વળતર ભથ્થુ કે જોઈનીંગ ટાઈમ મળવા પાત્ર થશે નહીં.