ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝરની જિલ્લા કક્ષાની નિરીક્ષણ કમિટીની સમિક્ષા કરતા કલેકટર અરૂણ મહેશ બાબુ
ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝર ની રાજકોટ જિલ્લા કક્ષાની નિરીક્ષણ કમિટીની સમિક્ષા બેઠક કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. નાના અને સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે અને સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે. જેથી આવક ઓછી અને ખર્ચ વધુ થાય છે. ખેડૂત મિત્રોને આ પરિસ્થિતિમાંથી મુક્ત કરવા ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એક જાતનું સંગઠન ઉભું કરવામાં આવે છે. જેને ખેડૂત ઉત્પાદન સંગઠન એટલે કે એફપીઓ કહે છે.
જે ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે અને ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે. આ સંગઠન મારફતે સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો, ખેતીને લગતી અન્ય જરૂરિયાતો, કૃષિઉપજો ઉચિત સમયે બજારમાં વેચવા જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને તેમની આવક વધારી સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. રાજકોટ જિલ્લામાં કૂલ 15 એફ.પી.ઓ સંગઠીત થઈ રહ્યા છે. ગોંડલ તાલુકા લેવલનો એફ.પી.ઓ.ની નોંધણી સાથે જિલ્લામાં 300 થી વધુ સભાસદોની નોંધણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ગાય આધારીત સુભાષ પાલેકર નિદર્શિત કૃષિ કરતા ખેડૂતોને એકઠા કરીને તેઓનું એક અલગ એફ.પી.ઓ બનાવવા માટે કલેક્ટરે સુચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- લોકમેળામાં ખાવાની ચીજવસ્તુઓ વાસી તથા ભેળસેળ યુક્ત જણાશે તો થશે કાર્યવાહી
- જિલ્લામાં તમામ રેસ્ટોરન્ટસ, હોટલ ગ્રાહકોની જાગૃતિ માટે બેનર લગાવાશે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની સમીક્ષા બેઠક
ભારતના ખાદ્ય સુરક્ષા અને માનક સત્તા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા “ઈટ રાઈટ” ઈન્ડીયા અભિયાનની “સેફ ફુડ,બેટર હેલ્થ” થીમ અન્વયે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના ઓફિસર એચ.જે.શાહ પાસેથી કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી. ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવા માટે તમામ રેસ્ટ્રોરન્ટસ, હોટલ ગ્રાહકોની જાગૃતિ માટે બેનર લગાવવામાં આવશે.
ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતોને રાજકોટમાં અથવા ગોંડલ એ.પી.એમ.સી.માં માર્કેટ પ્લેસ આપવામાં આવશે. નાશવંત પ્રોડક્ટ જેવાકે લીલા શાકભાજી, દૂધ અને દુધની આઈટમોનું દર બે દિવસે સેમ્પલીંગ કરવામાં આવશે. તેમજ 1800 ર 33 5500 ટોલ ફ્રી નંબર પર ફોન કરવાથી ફુડ સેક્ટી ઓન વ્હિલ વાન આવીને ફુડ ટેસ્ટ કરશે અને વાંધાજનક જણાતા સત્વરે કાયદાકિય પ્રક્રીયા હાથ ધરશે. ચાલુ વર્ષે યોજાનારા લોકમેળામાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે તેમજ જનજાગૃતી માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે,વગેરે જેવા મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ તેના અમલીકરણ અંગેની કાર્યરચના નક્કી કરવામાં આવી હતી.
નોંધણી, લાઇસન્સ, સર્વેલન્સ અને અમલીકરણ ડ્રાઇવ અંતર્ગત રૂ. 17 લાખથી વધુની કિંમતનો હાનીકારક સામાન જપ્ત કરીને કાયદાકિય નષ્ટ કરી દેવામાં આવ્યો છે તેમજ સ્વાસ્થ્ય સંદર્ભે હાનીકારક સામાન વેંચનાર વ્યક્તિઓ વિરૂધ્ધ જરૂરી પગલાઓ પણ લેવામાં આવ્યા છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કે.બી.ઠક્કર, ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના અધિકારીઓ, હોટલ એન્ડ રેસ્ટ્રોરન્ટ એસો.ના સભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.