છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે એક પણ તહેવાર કે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું.ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે લોકમેળાની પૂર્વ તૈયારીઑની રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ સમીક્ષા કરવા પહોચ્યા હતા.
આગામી તા.17 ઓગસ્ટથી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો પ્રારંભ થશે.જેને લઇ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે અધિકારી સાથે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.આ વખતના મેળાનું નામ “આઝાદીનો અમૃત લોકમેળો” રાખવામા આવ્યું છે.
લોકમેળામાં લાખોની જનમેદની એકત્ર થવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સિક્યુરીટી પણ તૈનાત રહેશે.ઉપરાંત CCTV કેમેરા પણ ગોઠવવામાં આવ્યાં છે.જેનું મોનિટરીંગ પોલીસ કન્ટ્રોલ રૂમ અને વહીવટી તંત્ર કરાશે.ફૂડ, આરોગ્ય, ટેકનિકલ અને વીજળી વિભાગ સહિતની ટીમો કાર્યરત રહેશે.લોકમેળામાં ખાદ્યસામગ્રી અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ન આવે અને લૂંટ મેળો ન બને તે માટે પણ વિશેષ દરકાર રાખવામાં આવશે.
લોકમેળાની પૂર્વ તૈયારીઓ માટે કમિટી સાથે અને લોકમેળાનો વહીવટ સંભાડનાર સાથે ચર્ચા કરી લોકમેળાની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી.