અધિકારીઓની હાજરીમાં ગોંડલના ડૈયા ગામના સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૮ લોકોનું રેસ્ક્યુ કરાયુ
જિલ્લામાં આવી પડેલી કુદરતી આપતીનું જાત નિરીક્ષણ કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ વરસતા વરસાદે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પુરની પરિસ્થિતિ વચ્ચે ફિલ્ડમાં ઉતર્યા હતા. સામાન્ય રીતે કંટ્રોલ રૂમમાં બેસી અધિકારીઓ સતત માર્ગદર્શન આપતા રહે છે. પણ બન્ને યુવા અધિકારીએ જાતે ફિલ્ડમાં ઉતરીને બચાવ કામગીરીમાં રૂબરૂ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ડૈયા ગામના સીમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળતા આ વિસ્તારમાં ૧૮ જેટલા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. જેમનું ગોંડલ નગરપાલિકાની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તેમજ રિજિયોનલ કમિશનર વરૂણ બરણવાલે સ્થળ પર ઉપસ્થિત રહી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનને પૂરું પાડવા માર્ગદર્શન આપ્યું હતુ.રેસ્ક્યુ કરાયેલા પાંચ પુરુષો સાત મહીલાઓ તેમજ છ બાળકોને સફળતાપૂર્વક બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.