જર્મન ટેકનોલોજીનાં અતિઆધુનિક મશીનથી ૩૬૫ દિવસ દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે
વેરાવળ સિવિલ હોસ્પિટલમાં આજે ગીર સોમનાથ કલેકટરશ્રી અજયપ્રકાશ દ્રારા ડાયાલીસીસ સેન્ટરનો વિધીવત પ્રારંભ કરાયો હતો. રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, પ્રવાસન નિગમનાં ડિરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર અને હોસ્પિટલનાં અધીક્ષક ડો. જીજ્ઞેશ પરમાર ની ઉપસ્થિતિમાં ડાયાલીસીસ સેન્ટરને રીબીન કાપી દર્દીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.
ડાયાલીસીસ સેન્ટરનાં ટેકનિસીયન ઘરસંડા ચેતન અને બામણિયા દિનેશે વિગત આપતા કહ્યં હતું કે, ઈન્સ્ટયૂટ ઓફ કીડની ડિસીઝ રીસર્ચ સેન્ટર (આઇ.કે.ડી.આર.સી. + પી.ડી.સી.સેન્ટર) અને ગુજરાત સરકારનાં સહયોગથી વેરાવળ હોસ્પિટલ ખાતે જર્મન ટેકનોલોજીનાં અતિ-આધુનિક ફેસીનેસ મેડીકલ કેર પાંચ મશીનો ફાળવવામાં આવેલ છે. જે એક મશીનની કિંમત રૂા. ૬.૫ લાખ છે.
ગીર-સોમનાથ જિલ્લામાં અંદાજીત ૩૫ થી ૪૦ ડાયાલીસીસનાં દર્દીઓ છે. જેમાં વેરાવળની નજીકનાં ૧૦ દર્દીઓ અહિં ડાયાલીસીસની કરાવી રહ્યા છે. ડાયાલીસીસ સેન્ટરમાં સંપૂર્ણ એરકન્ડીશન સ્થિતિમાં ચાર કલાકમાં એક દર્દીનું ડાયાલીસીસ કરી શકાય છે. એક અઠવાડીયામાં ફરજીયાત બે વખત ડાયાલીસીસ કરાવવાની જરૂર પડે છે. સેન્ટરમાં દર્દી દીઠ એક જ વખત જુદી જુદી મેડીકલ સામગ્રીનો વપરાશ કરી તેનો નાશ કરવામાં આવે છે.
મા અમૃતમ કાર્ડમાં પણ ડાયાલીસીસની સારવારને આવરી લેવાની સાથે લાભાર્થીને પરિવહન ખર્ચ પણ ચુકવવામાં આવે છે. તમામ દર્દીઓ માટે ડાયાલીસીસની સારવાર સંપૂર્ણ નિ:શુલ્ક છે. આ ડાયાલીસીસ સેન્ટર ૩૬૫ દિવસ કાર્યરત રહેશે તેમજ ઇમરજન્સી સમયમાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૨૯ જાન્યુઆરીથી ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. દરરોજ દસ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં જુદા જુદા દર્દીઓએ ૩૨ વખત ડાયાલીસીસ સેન્ટર ખાતે સારવાર લીધેલ છે.
આ પ્રસંગે વેરાવળ સરકારી હોસ્પિટલનાં અધીક્ષક ડો. જીજ્ઞેશ પરમાર, ચીફ ઓફીસર જતીન મહેતા, ડો.સોંદરવા, સુપરવાઇઝર નાઘેરા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્રવારા રાજયમાં કુલ ૪૩ જેટલા ડાયાલીસીસ સેન્ટરો શરૂ કરી લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે.
મારા પુત્રની ડાયાલીસીસ સારવાર ખુબ જ સારી રીતે કરવામાં આવે છે : કિરીટભાઇ રૂઘાણી
વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ સેન્ટરનાં પ્રારંભ પ્રસંગે વેરાવળનાં રહેવાસી કિરીટભાઇ રૂઘાણીએ કહ્યું કે, મારા પુત્ર સુનીલને ડાયાલીસીસ કરાવવાં માટે અમે સિવિલ હોસ્પિટલના ડાયાલીસીસ સેન્ટરમાં આવીએ છીએ. અહીંયા નિ:શુલ્ક ખુબ જ સારી રીતે ડાયાલીસીસની સારવાર કરવામાં આવી રહી છે. ૨૦૦૪ માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુનિલની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ ૧૨ વર્ષ સુધી તંદરસ્તી ખુબ જ સારી રહી હતી. છેલ્લા એક વર્ષથી મારા પુત્ર સુનીલને ડાયાલીસીસ કરાવવાની જરૂર પડતા ૧ વર્ષથી ખાનગી હોસ્પિટલમાં રૂા. ૯૦ હજારથી પણ વધુનો ખર્ચ કરી સારવાર લેવામાં આવતી હતી અને એક ડાયાલીસીસનો ખર્ચ રૂા. ૧૫૦૦ થી રૂા. ૩૦૦૦ જેટલો થતો હતો.
તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વેરાવળ સરકારી હોસ્પિટલમાં ડાયાલીસીસની સારવાર ઉપલબ્ધ થતા મારા પુત્રની ડાયાલીસીસની સારવાર માટે હવે અમે અહિંયા આવીએ છીએ. ગરીબ લોકોની સરકારે ચિંતા કરી ડાયાલીસીસની મફતમાં સારવાર આપવામાં આવતી હોવાથી વેરાવળ અને તેની આજુ બાજુના દર્દીઓને ખુબ જ લાભ થશે.