સોમનાથ દાદાના સાનિધ્યમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ
પોલીસ જવાનો, કોસ્ટગાર્ડ જવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રન ફોર યુનિટીમાં સહભાગી થયા
રાષ્ટ્રની એકતા – અખંડિતતા અને સુરક્ષા માટે શપથ લેવાયા
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ ૩૧ ઓકટોબરે સવારે ૮ કલાકે સ્વામીનારાયણ ગુરૂકુળ પ્રભાસ-પાટણ ખાતેથી રન ફોર યુનિટીને કલેકટરશ્રી અજયપ્રકાશ અને મહાનુભાવોઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
પોલીસ જવાનો, કોસ્ટગાર્ડ જવાનો અને મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ રન ફોર યુનિટીમાં સહભાગી થઇ સોમનાથ પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી આપી રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સૈા કોઇ સંકલ્પબધ્ધ થયા હતા.
રન ફોર યુનિટીમાં સહભાગી થનાર ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થી મહમદ શાહીદે સરદાર સાહેબને શ્રધ્ધાંજલી આપતા કહ્યું કે, આજે સમગ્ર દેશમાં સરદાર સાહેબને વૈશ્વિક શ્રધ્ધાંજલી અપાઇ રહી છે. પી.ટી.સી. કોલેજની વિદ્યાર્થીની ભાટુ મીરૂ અને વાળા શિવાનીએ કહ્યું કે, સરદાર સાહેબની વિશ્વની સૈાથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતા અને અખંડિતતાનો વિશ્વને સંદેશ આપે છે.
પોલીસ જવાન કિર્તીભાઇ હડીયાએ સરદાર સાહેબને શ્રધ્ધાંજલી આપવા માટે રન ફોર યુનિટીમાં જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
રન ફોર યુનિટીમાં પી.ટી.સી. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભારતનાં ભાગ્ય વિધાતા સરદાર સાહેબ છે. આપણા નેતા, ભારત ભુમિનો એક જ નાદ, આપણા સૈાના સરદાર સાહેબ, એકતાનાં શિલ્પી ગણાતા સરદાર સાહેબ વિશ્વએ પુજ્યા અને એકતાનો સંકલ્પ કરો સરદાર સાહેબને વંદન કરો, ના બેનરો સાથે સરદાર સાહેબનો સંદેશો ગુંજતો કરાયો હતો.
સરદાર સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ કરવા રન ફોર યુનિટીનાં કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી, અધિક કલેકટર એચ.આર.મોદી, કોસ્ટગાર્ડ કમાન્ડર સચીન જોષી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખ, શ્રી દાફડા, મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્ય, સ્વામી નારાયણ ગુરૂકુળના શ્રીભકિતપ્રકાશસ સ્વામી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પરમાર, શ્રી ચાવડા, શ્રી બાંભણીયા સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.