દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ તિરંગા યાત્રા યોજાશે, મત્સ્ય ખેડુતોની બોટમાં લહેરાશે “તિરંગો”
અમરેલી દેશના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નાગરિકો ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.8 થી તા.14 ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય, નગરપાલિકા અને તાલુકા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા અને તાલુકાના અધિકારીઓને માર્ગદર્શન આપવાના હેતુથી અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી અને તાલુકાના સર્વે અધિકારીઓને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરએ કહ્યુ કે, આગામી સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ગત વર્ષની જેમ ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે. આગામી તા.8 થી તા.10 ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજવાના રહેશે. જેમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, દેશભક્તિ આધારિત ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાશે. ગ્રામ્ય કક્ષાએ પ્રભાતફેરી, તિરંગા યાત્રા જેવાં અનેકવિધ કાર્યક્રમો યોજવાના રહેશે. તા.11 ઓગસ્ટના રોજ નગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં તિરંગાયાત્રા યોજાશે. પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નાગરિકો, તમામ કચેરીના અધિકારીઓ, કર્મયોગીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, જવાનો, સખી મંડળો, આંગણવાડીના બહેનો, આશા વર્કરો, જોડાશે. જે-તે વિસ્તારના આઇકોનિક સ્થળોને આવરી લેવામાં આવશે. તા. 12 ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ દરમિયાન તિરંગા સેલ્ફી, તિરંગા યાત્રા, શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર તેમજ રંગોળી સ્પર્ધાઓની તસવીરો ‘હર ઘર તિરંગા’ વેબસાઇટ પર અચૂક અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ જિલ્લા કલેક્ટરએ સૂચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, પ્રાંત અધિકારી અમરેલી, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાંત અધિકારી સર્વ, જિલ્લાની વિવિધ કચેરીના વડાઓ, તાલુકા મામલતદાર સર્વ, તાલુકા વિકાસ અધિકારી સર્વ અને જિલ્લા તેમજ તાલુકા કચેરીઓના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.