ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 959 વિદ્યાર્થીઓની ઉતરવહીઓમાં એકસરખા જવાબ અને તમામમાં એકસરખી ભૂલો માલુમ પડતા બોર્ડનાં અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
ગુજરાતની બોર્ડ પરીક્ષામાં સામુહીક ચોરીનો આ સૌથી મોટો કિસ્સો છે. પરીક્ષા ચોરી અટકાવવા માટે શિક્ષણ બોર્ડે શ્રેણીબદ્ધ પગલા લીધા હોવા છતાં સામુહીક ચોરી શકય બનવા વિશે પણ પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. આ તમામ વિદ્યાર્થીઓના પરીણામો આવતા વર્ષ સુધી અટકાવાયા છે એટલુ જ નહિં પરીક્ષા ચોરી ધરાવતા વિષયમાં તમામને નાપાસ કરાયા છે.
શિક્ષણ બોર્ડ દ્વારા કેટલાંક પરીક્ષા કેન્દ્રો સંબંધી ફરીયાદો મળી હતી તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. આ પરીક્ષા કેન્દ્રો મુખ્યત્વે જુનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લાના છે.
959 વિદ્યાર્થીઓની પરીક્ષા ચોરીનો જે કેસ છે તેમાં તમામનાં જવાબ એકસરખા હતા જ એટલુ જ નહિં જવાબ લખવામાં થયેલી ભુલો પણ એકસરખી જ હતી.
એક પરીક્ષા કેન્દ્રમાં 200 વિદ્યાર્થીઓએ ‘દિકરી ઘરની દિવળી’ વિષય પર નિબંધ લખ્યા હતા. તમામનાં લખાણ શરૂઆતથી અંત સુધી એકસરખા હતા. નામ, અર્થશાસ્ત્ર, અંગ્રેજી વ્યાકરણ તથા આંકડા શાસ્ત્ર વિષયમાં સામુહીક પરીક્ષા ચોરીના કિસ્સા માલુમ પડયા છે. સુત્રોએ એમ કહ્યુ છે કે ગીર સોમનાથનાં અમરાપુર તથા પ્રાંચી તથા જુનાગઢના વિસનવેલના પરીક્ષા કેન્દ્રો રદ કરવાની વિચારણા છે.
959 વિદ્યાર્થીઓએ સુનાવણી દરમ્યાન એવી કબુલાત આપી દીધી છે કે પરીક્ષા કેન્દ્રનાં શિક્ષકે જ જવાબ લખાવ્યા હતા.
આઘાતજનક બાબત એ છે કે જે પરીક્ષા કેન્દ્રોમાં સામુહીક ચોરી પકડાઈ છે જયાં બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદનાં વિદ્યાર્થીઓએ એકસટર્નલ તરીકે નોંધણી કરાવીને પરીક્ષા આપી હતી.