મવડી અને મોટામવા ખાતે શાંતિધામમાં ૩૧૪૯ સ્વર્ગસ્થ અસ્થિઓનું પૂજન કરાયું
મોટામવા ઓમકાર ટ્રસ્ટ સંચાલીત શાંતિધામ મોટામવા, કાલાવડ રોડ ખાતે સોમવારે સમૂહ અસ્થિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જે સંપન્ન થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત એક વર્ષ દરમિયાન ૨૦૯૯ સ્વર્ગસ્થ દિવગંતોનાં અસ્થિઓનું પૂજન થયું હતુ. ત્યારબાદ મંગળવારે ટ્રસ્ટ દ્વારા સંચાલીત શિવધામક મવડી ખાતે પણ સામુહિક અસ્થિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્ષ દરમિયાન ૧૦૫૦ દિવગંતોનાં અસ્થિઓનું પૂજન સંપન્ન થયું છે ત્યારે હવે પછી તા.૯ સપ્ટેમ્બરના રોજ હરિદ્વાર ખાતે કનખલ સતિઘાટ ખાતે ત્યાંના પંડિતો દ્વારા અસ્થિપૂજન કરી ટ્રસ્ટીઓના હસ્તે ગંગામૈયામાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે.
આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સામુહિક અસ્થિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. અને મોટામવા અને મવડી ખાતે ચા પાણી, બેસવાની અને પૂજાવિધિ કરવાની ઉમદા વ્યવસ્થા કરવામાં આવે છે. સમાજના આ ઉમદા કાર્યથી પ્રેરાયને ઘણા સૂચનો થઈ રહ્યા છે. પરંતુ રાજકોટના ઝડપી વિકાસ અને વસ્તી વધારાના કારણે કાલાવડ રોડ શાંતિધામ ખાતે રોજની ૭ થી ૮ લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. અને તેથી ટ્રાફીકની સમસ્યા ખૂબજ રહે છે. વાહનો પાકીંગની જગ્યા સિમિત હોવાના કારણે ટ્રાફીકજામનો પ્રશ્ર્ન ઉભો થયો છે. અને તેમાટે સ્મશાનની સામે આવેલ વોકળાની ખાલી ખરાબાની જગ્યામાં પાર્કિંગની મંજૂરી માટે ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી છે. જેની સામે કોર્પોરેશન આ પ્રશ્ર્નને ગંભીરતાથી લઈ પગલા ભરે તો સમસ્યા હલ થઈ શકે તેમ છે. તેમ ટ્રસ્ટીઓએ રજૂઆત કરી છે. તો આ પ્રશ્ર્ન વચ્ચે યોજાયેલા સમૂહ અસ્થિ પૂજનના કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ છનુરા, ટ્રસ્ટી વિજયભાઈ કોરાટ, શૈલેષભાઈ શિંગાળા, પરસોતમભાઈ લીલા સહિતના ગામ લોકોએ જહેમત ઉઠાવી હતી.