7.8 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર: નલીયા 8 ડિગ્રી અને રાજકોટ 9.7 ડિગ્રી સાથે ઠંડાગાર, બર્ફિલા પવનના સુસવાટાથી થર-થર ધ્રુજતુ જનજીવન
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યભરમાં ઠંડીનું જોર ફરી વધ્યુ છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા આગામી દિવસોમાં હાડ થીજાવતી કાતિલ ઠંડીનું જોર યથાવત રહેશે. આજે રાજ્યનાં પાંચ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચી ગયું છે. આવતીકાલથી ઠંડીના જોરમાં વધારો થશે. આજે ગાંધીનગર 7.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું હતું. બર્ફિલા પવનના સુસવાટાના કારણે જનજીવન દિવસ દરમિયાન સતત ધ્રુજતું રહ્યું હતું. લોકોએ ફરજીયાત ગરમ વસ્ત્રોમાં વિંટોળાયેલા જોવા મળતા હતાં.
જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના પહાડી રાજ્યમાં સતત બરફ વર્ષા અને રાજસ્થાનમાં સર્જાયેલાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યમાં ફરી શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. રવિવારથી ફરી ઠંડીનું જોર વધ્યું છે. આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન ફરી સિંગલ ડિજિટમાં પહોંચી ગયું હતું. 10 કિ.મી. પ્રતિકલાકની ઝડપે બર્ફિલા પવન ફૂંકાવવાના કારણે લોકો દિવસ દરમિયાન સતત કાતીલ ઠંડીમાં ઠુંઠવાયા હતાં. ગાંધીનગર આજે 7.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અમરેલી, નલીયા અને પાટણ તાપમાન પણ સિંગલ ડિજિટમાં નોંધાયુ હતું. આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધશે.
આ ઉપરાંત અમદાવાદનું લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી, અમરેલીનું લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી, બરોડાનું તાપમાન 13.4 ડિગ્રી, ભાવનગરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, ભાવનગરનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, દમણનું તાપમાન 15.6 ડિગ્રી, ડિસાનું તાપમાન 11 ડિગ્રી, દીવનું તાપમાન 15.4 ડિગ્રી, ડાંગનું તાપમાન 11 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 15.4 ડિગ્રી, જૂનાગઢનું તાપમાન 14 ડિગ્રી, કંડલાનું તાપમાન 12 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 11 ડિગ્રી, સુરતનું તાપમાન 14.2 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 12.7 ડિગ્રી નોંધાયુ હતું. રાજસ્થાનમાં સાયક્લોનીક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં આવતા 48 કલાકમાં ઠંડીનું જોર વધશે. કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળશે.
કાતીલ ઠંડીના કારણે શાળાનો સમય જે એક કલાક મોડો કરવામાં આવ્યો હતો. જેમાં એક સપ્તાહનો વધારો કરવામાં આવ્યો છે. બર્ફિલા પવનના સુસવાટા યથાવત રહ્યા છે. રવિવારની રજામાં મન મૂકીને ફરતા રાજકોટવાસીઓ કાલે સમી સાંજમાં જ ઘરમાં પુરાય ગયા હોય તેમ રાજમાર્ગો પર સાંજના સમયથી સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ સર્જાય ગયો હતો. રોડ સુમસામ ભાસતા હતા. આવતીકાલથી બે દિવસ ગાત્રો થીજાવતી ઠંડીનો દૌર શરૂ થશે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી જશે. કોલ્ડવેવથી બચવા લોકો માટે ગાઇડલાઇન જાહેર કરાય છે.