જુનાગઢ ૧૧.૯ ડિગ્રી, રાજકોટ ૧૨.૩ ડિગ્રી: ઠંડાગાર પવનોથી જનજીવન ઠુંઠવાયું
ડિસેમ્બર માસમાં સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીએ જમાવટ કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે રાજયમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે અમરેલીમાં લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૨.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલ કરતા આજે લઘુતમ તાપમાનનો પારો અઢી ડિગ્રી સુધી ઉંચકાતા શહેરીજનોને હાડ થ્રીજાવતી ઠંડીમાં થોડી રાહત મળી હતી. જોકે ઠંડાગાર પવનોના કારણે લોકો થરથર ધ્રુજયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૪.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.
અમરેલી આજે સૌરાષ્ટ્રનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું હતું. અમરેલીનું તાપમાન ૯.૬ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૫.૧ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. જુનાગઢ પણ આજે કાતીલઠંડીમાં થર થર ધ્રુજયું હતું જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૧.૮ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. મહતમ તાપમાન ૧૪.૪ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહેવા પામ્યું હતું. પવનની ઝડપ ૫.૧ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. આગામી દિવસોમાં રાજયમાં ઠંડીનું જોર યથાવત રહેશે. જાન્યુઆરી માસમાં ઠંડી વધે તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.