વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ અને સાયકલોનિક સરકયુલેશન પસાર થતાની સાથે ઠંડીનો અંતિમ રાઉન્ડ
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હવે શિયાળાની સિઝન વિદાય લેવા ભણી ધપી રહી છે.ત્યારે આગામી શનિવારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાર દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. લઘુતમ તાપમાનનો પારો ચારથી છ ડિગ્રી સુધી પટકાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસ વાદળછાંયુ વાતાવરણ છવાયું રહેશે. આજે રાજકોટમાં ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હાલ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયું છે. આ ઉપરાંત નોર્થ-વેસ્ટ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા પાકિસ્તાની વિસ્તારમાં ૧.૫ કિ.મી.ની ઉંચાઈ પર સાયકલોનિક સરકયુલેશન પણ સક્રિય છે. જે આગામી ૨૪થી ૪૮ કલાકમાં પસાર થઈ જવાની સંભાવના છે. શનિવારથી સતત ચાર દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ કોલ્ડવેવની સંભાવના રહેલી છે. લઘુતમ તાપમાનનો પારો ૪ થી ૬ ડિગ્રી સુધી પટકાય તેવી શકયતા છે. આજે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૭.૧ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ સવારે ૮.૩૦ કલાકે તાપમાન ૧૮.૨ ડિગ્રી નોંધાયું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહેવા પામ્યું હતુ. સવારના સમયે બે દિવસ ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. શનિવારથી ઠંડીનું જોર ફરી વધશે. આ શિયાળાની સીઝનનો અંતિમ રાઉન્ડ હશે ત્યારબાદ વહેલી સવારે અને મોડીરાતે સામાન્ય ઠંડી અનુભવાશે અને ક્રમશ: ગરમીનું જોર વધશે.