ઉત્તર રાજસ્થાનમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન અને ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ઠંડીનો નવો રાઉન્ડ: ઉત્તર ગુજરાત અને કચ્છમાં છુટા-છવાયા વિસ્તારોમાં છાંટા પડે તેવી આગાહી
૮ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન ૨૦ થી ૨૫ કિમીની ઝડપે પવન ફુંકાશે: માછીમારોને દરીયો ન ખેડવા સુચના: લઘુત્તમ તાપમાનનો પારો ૨ થી ૩ ડિગ્રી સુધી નીચો પટકાશે
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં બે દિવસ કાતિલ ઠંડીમાં સામાન્ય રાહત અનુભવાયા બાદ આજથી ફરી ઠંડીનું જોર વઘ્યું છે. ઉતર રાજસ્થાનમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન ઉદભવતા અને ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાવાના કારણે આવતીકાલથી સતત ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. ઉતર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં કમોસમી માવઠાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. ગઈકાલ રાતથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠંડાગાર પવનો ફુંકાઈ રહ્યા છે. આજે સવારથી રાજકોટ સહિતના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ઉતર રાજસ્થાન અને ઉતર પાકિસ્તાનમાં જમીનથી ૭.૬ કિલોમીટરની ઉંચાઈ પર એક અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેના કારણે ઠંડા પવનો જમીન તરફ નીચા ફુંકાશે જેથી આગામી ૮ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં કોલ્ડવેવની સંભાવના રહેલી છે.
રાજયમાં મોટાભાગના શહેરોમાં મહતમ તાપમાનમાં ૪ ડિગ્રી જેટલો અને લઘુતમ તાપમાનમાં સરેરાશ ૨ ડિગ્રી સુધી ઘટાડો નોંધાશે. આવતીકાલથી ત્રણ દિવસ સુધી ૨૦ થી ૨૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે માછીમારોને રવિવાર સુધી દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે.
અપરએર સાયકલોનીક સરકયુલેશન અને વેસ્ટન ડિસ્ટબન્સની અસરતળે ૩ દિવસ દરમિયાન ઉતર ગુજરાતમાં બનાસકાંઠા અને કચ્છમાં અમુક વિસ્તારોમાં વરસાદના છાંટા પડે તેવી શકયતા પણ જણાઈ રહી છે. સંભવત: ૧૦મી ફેબ્રુઆરીએ ચાલુ સાલ શિયાળાની સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાઈ તેવી શકયતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
ચાલુ સાલ શિયાળાની સીઝન ખુબ જ લાંબી ચાલી રહી છે. છેલ્લા બે માસથી સતત કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે વેસ્ટ ડિસ્ટબન્સ અને અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરતળે નવેસરથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે જે આગામી ૧૦મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ શિયાળાનો અંતિમ ઠંડીનો રાઉન્ડ હોવાનું મનાઈ રહ્યું છે.
છેલ્લા બે દિવસ દરમિયાન રાજયભરમાં ઠંડીમાં રાહત રહેવા પામી હતી. વહેલી સવારે અને મોડીરાત દરમિયાન ઠંડીનો અનુભવ થતો હતો. બપોરે પંખા અને એસી ચાલુ રાખવા પડે તેવી ગરમીનો અહેસાસ લોકો કરતા હતા દરમિયાન ગઈકાલ રાતથી ફરી વાતાવરણમાં પલટો નોંધાયો છે અને ઠંડાગાર પવનો ફુંકાવા લાગ્યા છે. આજે સવારથી લોકોએ ફરી કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં આજે લઘુતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી રહેવા પામ્યું હતું. જયારે લઘુતમ તાપમાન ૧૪.૯ ડિગ્રી નોંધાયું છે.