રાજ્યમાં ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો નોંધાયો: રાજકોટનું લઘુત્તમ તાપમાન ડબલ ડિજિટમાં
અબતક-રાજકોટ
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોલ્ડવેવ યથાવત છે. ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો ચોક્કસ નોંધાયો છે. પરંતુ હજી થરથર ધ્રુજાવતી ઠંડીમાંથી લોકોને બહુ મોટી રાહત મળી નથી. કચ્છનું નલીયા આજે 5.2 ડિગ્રી સેલ્શીયસ સાથે ઠુંઠવાઇ ગયુ હતું. ગીરનાર પર્વત પર લઘુત્તમ તાપમાનનો પારો 4.7 ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. આગામી બે દિવસ હજી કોલ્ડવેવ યથાવત રહેશે. તેવી આગાહી આપવામાં આવી છે. રાજકોટમાં આજે ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનનો પારો ડબલ ડિજિટમાં પહોંચી ગયો હતો.
ઉત્તરભારતના રાજ્યોમાં સતત થઇ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડીએ બોકાસો બોલાવી દીધો છે.
મંગળવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો હતો. ગઇકાલે પણ રાજ્યના અનેક શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં રહેવા પામી હતી. દરમિયાન આજે ઠંડીનું જોર થોડુ ઘટ્યું છે. આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન ફરી ડબલ ડિજિટમાં પહોંચી ગયું હતું.
આજે પારો બે ડિગ્રી સુધી ઉંચકાયો હતો. આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન 10.3 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 41 ટકા અને પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. કચ્છના નલીયાનું તાપમાન આજે 5.2 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યુ હતું. આ ઉપરાંત ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8.1 ડિગ્રી, ડિસાનું તાપમાન 7.2 ડિગ્રી, ભૂજનું તાપમાન 9.9 ડિગ્રી, જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું હતું. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 4.7 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન 10 ડિગ્રી, અમરેલીનું તાપમાન 10 ડિગ્રી, દિવનું તાપમાન 10.5 ડિગ્રી, કંડલાનું તાપમાન 10.6 ડિગ્રી, સુરતનું તાપમાન 13.2 ડિગ્રી અને વેરાવળમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી કાતીલ ઠંડીનો સામનો કરી રહેલા લોકોને આજે ઠંડીથી થોડી રાહત મળી હતી. જો કે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આગામી બે દિવસ હજી ઠંડીનું જોર જોવા મળશે. ઠંડાગાર પવનોના કારણે લોકો દિવસભર ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.