રાજકોટમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પાર ૪ ડિગ્રી સુધી પટકાયો: ૯.૫ ડિગ્રી સાથે રાજકોટ ઠુંઠવાયું
બે દિવસ રાહત આપ્યા બાદ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ફરી ઠંડીનું જોર વઘ્યું છે. ઉતર ભારના રાજયોમાં જોરદાર બરફવર્ષાના કારણે ગુજરાતમાં ફરી બે દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. આજે કચ્છના નલીયા કરતા રાજકોટમાં વધુ ઠંડી નોંધાય હતી. એક જ દિવસમાં રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો ૪ ડિગ્રી સુધી નીચે પટકાતા રાજકોટવાસીઓ કાતીલ ઠંડીમાં થર થર ધ્રુંજયા હતા. સોમવારથી ઠંડીમાં રાહત મળે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૯.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૨.૨ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૩ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું લઘુતમ તાપમાન ૧૩.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આજે એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી નીચો પટકાતા રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું હતું. આજે નલીયા કરતા રાજકોટમાં વધુ ઠંડી અનુભવાય હતી. નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૧.૨ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા પવનની સરેરાશ ઝડ૫ ૧૧ કિમી પ્રતિ કલાક અને ગઈકાલનું મહતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું.
જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૧૪ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૦.૨ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. મહતમ તાપમાન ૧૫ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. મહતમ અને લઘુતમ તાપમાનમાં એક જ ડિગ્રીના તફાવતના કારણે કાતીલ ઠંડીનો અહેસાસ દિવસભર થતો હતો.
ઉતર ભારતના રાજયોમાં સતત બરફવર્ષાના કારણે બે દિવસ સામાન્ય રાહત રહેવા બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વઘ્યું છે. આગામી બે દિવસ કોલ્ડવેવની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સોમવારથી ઠંડીનું જોર ઘટશે અને ક્રમશ: તાપમાનનો પારો ઉંચકાશે.