મની, મટીરીયલ અને મોભા કરતાં પણ સૌથી અગત્યની છે માનસિક સ્થિતિ, જો તેના પર પૂરતું ઘ્યાન રાખી વિચારોની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવે તો ‘સ્વ’ સહિત સમાજને ‘કોલ્ડવોર’ નામની મૂક હિંસાથી દૂર રાખી શકાય તેમ છે
સંબંધોને માત્ર ‘મની’થી નહીં ‘માન’થી સમજાવવામાં આવે અને સ્વાર્થને છોડીને ‘સ્વ’નો અર્થ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો ઉકેલ મળી જાય: મુખથી બોલાઇ ગયેલા શબ્દો તીર સમાન હોય છે, તેથી સંબંધોની ગરિમા જાળવવા શબ્દો પર ઘ્યાન રાખવું જરૂરી
‘કેટલું અજીબ છે ને દુનિયા તો એક જ છે. છતાં દરેક વ્યકિતની પોતાની પણ એક અલગ દુનિયા છે’ આ દુનિયા છે. આંતર મનની દુનિયા જેના વડે ઉક મનુષ્ય બીજા મનુષ્ય સાથે વાણી, વ્યવહાર અને વર્તન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ આંતરિક દુનિયામાં પ્રત્યેક મનુષ્ય પોતાની સાથે બનેલા, વિતેલા સારા-નરસા અનુભવોને સંધરીને બેઠો છે અને આવા જ કડવા-મીઠા અનુભવો તેમજ મનમાં કંડારાયેલી વિચારોની દુનિયામાં તે દરરોજ સફર કરે છે. અને ઇશ્ર્વરે નિર્માણ કરીને આપેલા, તેમજ સ્વનિર્મિત સંબંધો સાથે જીવે છે અને તેને નિભાવે છે.
બાળપણથી યુવાવસ્થા ઉંમરનો એક એવો પડાવ છે કે જે અપરિપકવ માનસ માટે એમ કહી શકાય કે તે સંબંધોને સમજવાની એક લનીંગ પ્રોસેસ છે. જેમાંથી પસાર થતા થતાં વ્યકિત સંબંધોને નિભાવતા શીખે છે. અને પોતાની એક અદભુત આંતરિક દુનિયા કે જે પરિપકવતા સાથે ભાવ, ભાવના, વિચાર, વાયબ્રેશન, સ્વભાવ, સંસ્કાર (આદતો)થી ભરેલી છે. તેનું નિર્માણ ખરા અર્થમાં થાય છે. અને સમય સાથે તેમાં સંબંધો દ્વારા મળેલા જિંદગીના કડાવ-મીઠા પળોના ટુકડાઓથી અનુભવની દુનિયાનું નિર્માણ થાય છે અને આ જ દુનિયા વ્યકિતના અંત્મિ શ્ર્વાસ સુધી તેના વ્યવહાર વર્તનનનું પ્રતિનિધિત્વ કરે છે.
કહેવાય છે કે માણસ પ્રિય અને અપ્રિય તેના ગુણો અને અવગુણોથી બને છે. મનુષ્ય સામાજીક પ્રાણી છે. તેથી તે સમાજમાં પોતાનું સ્થાન બનાવવા અથવા તો ટકાવી રાખવાના સતત પ્રયત્ન કરે છે. આજથી 40-પ0 વર્ષ પહેલાની વાત કરીએ તો સમાજની દશા કંઇક જુદી હતી, તે સમયે સંયુકત પરિવારોનું સમાજમાં વર્ચસ્વ હતું. સૌ હળી મળીને એક છત નીચે રહેતા એ સમયે માનવ મનની આંતરિક દુનિયા પ્રેમ, લાગણી, હુંફ, સહયોગ, સહનશકિત, સન્માન વગેરે જેવા સુંદર ગુણોથી ભરેલી હતી, પરંતુ આજે વધુ પડતા વિભકત પરિવારો જોાવ મળે છે. અને તેનું એક માત્ર કારણ છે સંબંધોમાં સહનશકિત અને સહયોગ જેવા ગુણો નો અભાવ આસ્થાને ‘કોલ્ડવોર’એ લઇ લીધું છે. સરળ ભાષામાં વાત કરીએ તો આજે મનમાં ઇર્ષ્યા, રાગ, દ્રેષ, અપમાન, અવિવેક જેવા દુગર્ણોએ પર કરી લીધું છે. અને જેના પરિણામે ‘કોલ્ડવોર’ એટલે કે ‘શીત યુઘ્ધ’એ આજે સમાજનો એક સળગતો પ્રશ્ર્ન બની ગયો છે. આ અદ્રશ્ય શત્રુથી માત્ર માણસના મન પર જ નહીં બલકે પ્રકૃતિ પર પણ માઠી અસર પડે છે. કારણ કે માનવમનમાં ઉદભવેલો પ્રત્યેક વિચાર વિસ્તાર પામે છે. મતભેદનું સ્થાન આજે મનભેદે લઇ લેતા પરિવારો ટુટતા જાય છે. અને તેની અસર સમાજ સહિત પ્રકૃતિ માટે પણ ઘાતક સાબિત થતી જાય છે. આ મૂક શત્રુથી બચવાનો એક જ ઉપાય છે પરસ્પર સમજણ અને સંબંધોમાં નિખાલસતા અને પારદર્શકતા લાવવી, આજે પ્રકૃતિ પણ નારાજ છે. પ્રકૃતિના રૌદ્ર મિજાજને શાંત પાડવા તથા તેના કારણે દેશ પર આવી પડેલા સંકટને દૂર કરવા આપણે વિચારોમાં શુઘ્ધતા, ગુણવતા, નિર્માલ્યતા લાવવી પડશે આજથી 30-40 વર્ષો પહેલા પણ લોકોને ‘સ્ટ્રેસ’ અને ‘ડિપ્રેશન’ જેવા શબ્દોનો પરિચય નહોતો. સમાજમાંથી આને દૂર કરવા સૌથી પહેલા સૌ એ મળીને
‘હું’ ના સ્થાને આપણેની ભાવના ઉજાગર કરવી પડશે. આજે દરેક વ્યકિત કયાંકને કયાંક તથા કયારેકને કયારેક એવો વિચાર ધરાવે છે કે વિપરીત પરિસ્થિતિ વખતે તેનું નિવારણ આ રીતે કરીશું, પણ અહીં જો જે તે પરિસ્થિતિને ઉદભવવાનું મુખ્ય કારણ એટલે કે ‘વિચારો’
પર ઘ્યાને કેન્દ્રીત કરીએ તો વિપરીત પરિસ્થિતિને ખાળી શકાયા છે. આજે દરેક વ્યકિતના મનમાં એ વિચારે સ્થાન બનાવ્યું છે કે ‘મારું શું?’ અને ‘મારે શું?’ પણ જો તેના કરતાં દરેક વ્યકિત જો એવું વિચારતો થઇ જાય છે મારું છે અને આ કાર્ય મારે જ કરવાનું છે, તો આવી સદભાવનાથી પારિવારિક સંબંધો મજબૂત બનશે., તેનાથી દેશ અને સમાજ પણ મજબૂત બનશે તેમાં બે મત નથી.
આજે આપણા સમાજ પર દેશ પર પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનું ગ્રહણ લાગ્યું છે તેનું એક કારણ ડિજિટલ નગરી છે. સોશિયલ મિડીયાને વધુ પડતું પ્રાધાન્ય આપતા માણસે સોશિયલ રિલેશનમાં ડિસ્ટન્સ લાવી દીધું છે. સોશિયલ મિડીયા દ્વારા નવા સંબંધો બાંધવા કરતા જે સંબંધોમાં તિરાડો પડી ગઇ છે તેનો ઉકેલ લાવવામાં આવે તો પણ ‘કોલ્ડવોર’ને મ્હાત આપી શકાય તેમ છે.
આજે એક વ્યકિતને બીજા વ્યકિત પર જરા પણ વિશ્ર્વાસ નથી રહ્યો વારંવાર ટુટતો વિશ્ર્વાસ અને દગો પણ આ સામાજીક દુષણનું એક કારણ છે, સંબંધ કોઇપણ હોય તેમાં વિશ્ર્વાસ ખુબ જરુરી છે. જો પરસ્પર વિશ્ર્વાસ અને એકબીજા પ્રત્યે માનની ભાવના કેળવવામાં આવે તો અણબનાવની પરિસ્થિતિ સર્જાય જ નહીં. મની, મટીરીયલ અને મોભા કરતાં પણ સૌથી અગત્યની છે. માનસિક સ્થિતિ જો તેના પર સંપૂર્ણ ઘ્યાન આપવામાં આવે તો પણ સમાજને આ ‘શીત યુઘ્ધ’ના દુષણથી દૂર રાખી શકાય તેમ છે.
‘કોલ્ડવોર’નામનો મૂક શત્રુ પરિવારને સમાજનો દેશને નુકશાન પહોચાડે તે પહેલા ચાલો આપણે સૌ સાથે મળીને સંબંધોને માત્ર મનીથી નહીં ‘માન’ અને શુભભાવનાથી સમજાવીએ સ્વાર્થને છોડીને ‘સ્વ’ નો ‘અર્થ’ સમજીએ કે આપણે કોટ છીએ અને આપણે શું કરવાનું છે? પરમાત્માએ માનવની રચના કરીને તેને ધરતી પર શા માટે મોકલ્યા છે? મનની અંદર જો અનય માટે પાશવી વૃતિ હોય તો માનવામાં અને પશુમાં ફરક જ શું રહી જાય? પ્રત્યેક માટે શુભભાવના અને શુભકામનાનો ભાવ રાખવો એ જ ખરા અર્થમાં માનવ બનવાનું લક્ષણ છે. અને સંબંધોની અંદર પગપેસારો કરેલી આ ‘કોલ્ડ વોર’ નો વાર સમાજનો પ્રકૃતિને, દેશને વધારે નુકશાન પહોચાડે તે પહેલા મનને ‘સુમન’ બનાવીએ મોટું વ્યકિત બનવા કરતા ‘વ્યકિતત્વને’મોટું બનાવીએ.
સંબંધોમાં ‘કોલ્ડવોર’ સામે જંગ જીતવા કેવા પ્રયાસ કરવા જોઇએ?
સંબંધોના વિશાળ સમુદાય વચ્ચે જીવતા પ્રત્યેક માણસના મનમાં આજે ગેરમાન્યતા, મનમટાવ, ઇર્ષ્યા, વેરભાવ,બદલો લેવાની ભાવના વગેરે આતંરિક દુષણોએ ઘર કરી લીધું છે. જેના પરિણામે સમાજનું યુવાધન વ્યસન, ડિપ્રેશન, સ્ટ્રેસના અજગરી ભરડામાં સપડાયું છે. આજે અનૈતિક પ્રવૃતિઓ તેમજ આત્મહત્યાના બનાવોએ પણ માજા મૂકી છે. સમાજને અને દેશને આ ભયાનક ‘સાયલન્ટ કિલર’થી બચાવવાના પ્રત્યનો કરવા માટે ખરેખર વિચારવું પડશે. અહીં દર્શાવાયેલા કેટલાક નાનાકડા પ્રયાસો દ્વારા આ જંગજીતવામાં મદદ મળે તેમ છે. આજે લોકો શરીરને સ્વસ્થ રાખવાના અનેક પ્રયાસો કરે છે. શરીરની સાથે સાથે મનને સ્વસ્થ રાખવું પણ અત્યંત જરુરી છે. અને તેના માટે માત્ર મોટી વેશન સ્પીચ સાંભળવી અથવા કાઉન્સેલરનો સંપર્ક કરવો તેના કરતા આપણે જાતે જ અંતરમનનું કાઉન્સેલીંગ કરવું જોઇએ અને તેના માટે મેડીટેશન બહુ જ મદદરૂપ થઇ શકે તેમ છે. મેડીટેશન મૌન અને એકાગ્રતા કેળવવાની એક સરળ પ્રધ્રિયા છે. જેનાથી વિચારોમાં સકારાત્મકતા કેળવી શકાય છે. મૌન દુશ્મનને નાથવાનો ઉપાય પણ ‘મૌન’ જ છે. જે શકિત મૌનમાં છે તે વાચામાં નથી. વિશ્ર્વની પરમ સતા એટલે કે પરમેશ્ર્વરને સવારે ઉઠતાની સાથે પાંચ દસ મીનીટ યાદ કરીને જો દિવસની શરુઆત કરવામાં આવે તો મનની અંદર ઉઠતા રાગ, દ્રેષ, ધૃણા, ઇષ્યાં વગેરેના સંકલ્પ દૂર થાય છે. રાષ્ટ્ર સંત શ્રી નમ્રમુનિ મ.સા. એ પણ પોતાના વકતવ્યોમાં આ અંગે અનેક વખત કહ્યું છે કે ‘મૌન હિંસા’નું પાપ ન કરો. સંબંધોમાં વધારે નિખાર લાવવા માટે પ્રત્યેક વ્યકિત જો અન્ય વ્યકિતને અજમાવવા કરતા અપનાવવાની ભાવના રાખીને વ્યવહાર કરે તો સંબંધોમાં અણબનાવ દૂર થાય છે. સદગુણોનું અને મૂલ્યોનું જ જીવનમાં સૌથી વધારે મહત્વ છે. તેને વિકસાવવા માટે આઘ્યાત્મિકતા કેળવવી અત્યઁત જરુરી છે. માત્ર પૂજા પાઠ કરવા માત્રએ આઘ્યાત્મિક નથી પરંતુ દૈનિક દિનચર્યામાં ગુણોને અપનાવીને વ્યવહાર કરવો તે ખરા અર્થમાં આઘ્યાત્મિક છે. મનમાં ઉદભવેલા પ્રત્યેક વિચાર વિસ્તાર પામે છે. તેથી વિચારોમાં પણ અન્યનું અહિત ન થાય તેનું ઘ્યાન રાખવું.
મનથી મોટું, મનથી નાજુક કાંઇ જ નથી…
ઇશ્ર્વરે આ જીવસૃષ્ટિમાં એક માત્ર મનુષ્યને જ ‘મન’ની અમૂલ્ય ભેટ આપી છે. જેમાં વિચારવાની, તર્ક કરવાની શકિત છે. જેવી રીતે આપણે ભોજનમાં સ્વાદને અને શરીર માટે સુવિધાને સ્વાસ્થ્યને મહત્વ આપીએ છીએ તેવી જ રીતે ‘મન’નું ઘ્યાન રાખવું પણ જરુરી છે કે તેમાં બીનજરુરી, વિચારો ધરના કરી લે, કારણ કે માનવ મનમાં ઉદભાવેલા વિચારની ગુણવતાની સીધી જ અસર તન પર પડે છે. તેથી મનની તંદુરસ્તી જાળવવાનો પ્રયાસ કરવો જરુરી છે અને તે ત્યારે જ શકય છે જયારે અન્યો પ્રત્યે ધૃણા અને રાગ, દ્રેષનો તેમજ નુકશાન પહોચાડવાનો ભાવ ન રાખીને મંગલમની ભાવના કેળવીએ અન્યો માટે સારુ વિચારવાનો ભાવ ખુદનું સારું કરવા તરફનો માર્ગ ખુલ્લો કરે છે. હમેશા એ યાદ રાખીએ કે મનથી મોટું અને જાની નાજુક બીજું કાંઇ જ નથી તેનું સૌથી વધારે જતન કરીએ.
સંબંધોને વિપરીત પરિસ્થિતિ વખતે પણ નિભાવનારાઓ જ સૌથી વધુ ખુશ રહે છે: સર્વે
‘કોલ્ડવોર’ અનુસંધાને એક મહત્વની બાબત સામે આવી છે. અમેરિકા સ્થિત હાર્વડ યુનિવસિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક રીસર્ચ ચાલી રહ્યું છે. જેના ટોપ ગ્રેજયુએટમાં સામેલ અમેરિકાના પ્રૅેસીડેન્ટ, કેટલાંક એસ્ટ્રોનોટસ, વૈજ્ઞાનિક, નોબલ પ્રાઇઝ વિજેતા વગેરે પર એક સર્વે કરવામાં આવ્યો કે, સૌથી વધુ ખુશ કોણ રહી શકે છે? તો આ દરેકમાં કોમન વાત હતી અને એ પૈસા, સકસેસ, બાળકોની ખુશી એ પૈકીનું કંઇ જ ન હતું. બલકે એવા લોકો હતા જે સંબંધોને નિભાવી શકે અને કયારેક સંબંધોમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ આવે કે ઝઘડાઓ થાય તેવા સંજોગોમાં પણ જે લોકો સંબંધોને નિભાવે છે તેવા લોકો જ સૌથી વધુ ખુશ રહી શકે છે.
‘શીત યુઘ્ધ’માં જીત તરફનું મંડાણ…
જો કે, અહીં એ પણ જાણવાનું મન થાય કે, ‘કોલ્ડવોર’નામની જંગ આપણે જીતી ચૂકયા છીએ અથવા તો જીત તરફનું મંડાણ શરુ થઇ ગયું છે. એ વાતનો અનુભવ આપણને ખુદને કેવી રીતે થશે? તો આ વોરમાંથી દરેક માનવ મન પસાર થાય છે. અથવા તો સામનો કરે છે. જીવનમાં અને સંબંધો વચ્ચે અનુભવાતા તણાવ ધીમે ધીમે આપ મેળે અથવા તો સરળતાથી ઉકેલાય જાય ત્યારે સમજી લેવું કે આ કોલ્ડવોરની જીત તરફના મંડાણ છે.
વાહ નહિ, વિવાદ નહિ પરંતુ સંવાદ, સમજણના આધારે તંદુરસ્ત સમાજની કલ્પનાને ચરિતાર્થ કરીએ: ડો. ભાવના જોષીપુરા
આજે સમાજમાં પ્રસરેલા ‘કોલ્ડવોર’ અંગે ડો. ભાવના જોષીપુરા જણાવે છે કે આજે નાની નાની બાબતમાં કજીયાનું મોટું સ્વરુપ અને તે કારણે થતાં કેસોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જોવા મળે છે તેવું લાગતું કે સાસુ-વહુ, પતિ-પત્નીની જ તકરાર છે પરંતુ હવે તો એવા કેસો પણ આવા મંડયા કે મા-દિકરી, બે બહેનો અને નાની નાની બાબતના કજીયા એ જાણે કે વાવાઝોડાની જેમ ફેલાઇ રહ્યા છે. ઝીણો અને પરચુરણ કકળાટ જીંગદી ખાય જાય છે, વાત વાતમાં રીસાવવું અને એના કારણે બે વ્યકિત વચ્ચેના અબોલ કે પછી સાસુ-વહુ હોય પતિ-પત્નિ હોય, બે બહેનો હોય, બે ભાઇઓ વચ્ચેના હોય કે કોઇ બે કુટુંબી કે સગા વચ્ચેના હોય. આવા બે વ્યકિત વચ્ચેના અબોલા એ મૌન સ્વરુપે ધીમે ધીમે ક્રોધ અને વેર તરફ પ્રગતિ કરે છે. આવી બન્ને વ્યકિતઓ પોતપોતાની રીતે સામ સામુ ખોટું આંકલન કરતી થાય છે અને છેવટે આ બાબત ગંભીર સંઘર્ષ તરફ દોરી જાય છે. અને એટલા માટે જ અબોલાથી ઉતપન્ન થયેલો વિવાદ કેટલીકવાર ડીપ્રેશનમાં પણ પરીણમે છે. આ બાબતની સમાજ જીવન પર ગંભીર અસર થતી જોવા મળે છે, એટલે કે ચાલો આપણે વિવાદ નહી પરંતુ સંવાદ, અને સામે જન્જસ્યના આધારે તંદુરસ્ત સમાજની કલ્પનાને ચરિતાર્થ કરીએ.
અહંપણુ, અપેક્ષા વધતા સંબંધોનું મહત્વ ઘટી રહ્યું છે: ડો. ભાવેશ કોટક
આજની જનરેશનમાં અહંમપણુ વધુ પડતી અપેક્ષાઓને કારણે સંબંધોનું મહત્વ ઘટયું છે તેમ મનોચિકિત્સક ડો. ભાવેશ કોટક, ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવી રહ્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે આજે સમાજમાં ‘કોલ્ડવોર’વઘ્યું છે. તેનું મુખ્ય કારણ અહંમપણુ વધતુ જાય છે. સંબંધોમાં જે અહંમપણુ હોય તો કયારેય રીલેશનશીપ ટકી શકે નહિ. આજે એક વ્યકિત બીજી વ્યકિત સમજી શકતી નથી સંબંધો હમેશા સમયથી જ પરિપકવ અને છે આજે માતા-પિતા ભાઇ-બહેન દરેક પાસેથી અપેક્ષાઓ વધી છે. સંબંધોમાં અપેક્ષાઓ વધતા મહત્વ ઘટયું છે. આજે નાનેથી મોટી
દરેક વ્યકિતની સહનશકિત પણ ઘટીછે. કોઇને કોઇ વસ્તુ નબળી જોઇતી નથી. દરેક વ્યકિત સામેવાળો પરફેકટ હોય તેવી જ અપેક્ષા રાખે છે. પરંતુ પહેલા આપણે પરફેકસ બનીએ પછી બીજા પરફેકટ હોવાની અપેક્ષા રાખીએ અત્યારે સંબંધો બંધાયા બાદ દરેકને તુરંત રીઝલ્ટ જોઇએ છે જે રીતે મોબાઇલ ટચ કરીએ અને રીઝલ્ટ મળે પરંતુ આ વાત આજની જનરેશન સમજી શકે તેમ નથી. આજે યુવાઓ વચ્ચે બ્રેકઅપ થવાના પણ આ જ મુખ્ય કારણો છે. સમાજમાં આનંદથી રહેવા અને ‘કોલ્ડવોર’ જેવા દૂષણોથી બચવા આજે સૌ કોઇએ વર્તમાનમાં જીવવા, પશ્રિપકવતા દાખવવા, મનને રિલેકસ રાખવા, કોમ્યુનિકેશન વધારવા, તેમજ સ્ટ્રેસ દૂર કરવાની જરુર છે. લોકોએ ખોટા દેખાવમાં ફસાવવાને બદલે વાસ્તવિક થવાનો પ્રયત્ન કરવો જોઇએ સંબંધોને સમય આપીશું તો જ સમાજમાં થતા વાકયુઘ્ધ અને તેની ગંભીર અસરોથી બચી શકીશું તેમ અંતમાં ડો. ભાવેશ કોટકે જણાવ્યું હતું.
સંયુકત પરિવાર, સારા મિત્રો સંબંધોની કડવાશ દૂર કરી શકે? કમલેશ શાહ
સંબંધો બનાવતા, સાચવતા વર્ષો નીકળી જાય છે પરંતુ આજે સંબંધ તૂટતા ઘડીભર લાગે છે આ અંગે ‘અબતક’ સાથેની વાતચીત દરમ્યાન એડવોકેટ કમલેશ શાહ જણાવે છે કે આજે લોકોની સહનશકિત ઘટી છે. સહનશકિત ઘટતા લોકો આજે ‘એક ઝાટકે બે કટકા’ ની જેમ નિર્ણય લઇ લે છે. હમેશા ખરાઇ કરાઇ બાદ કોઇપણ નિર્ણય પર આવવું જોઇએ આજના ફાસ્ટ યુગમાં ઉતાવળિયો નિર્ણય લોકોની માનસિક નબળાઇ છતી કરે છે. મનમાં ક્રોધિત થતાં ભાવોને કાબૂમાં રાખવા નિયમિત યોગ, મેડીટેશન શ્રેષ્ઠ ઉપાય છે, આ ઉપરાંત વ્યકિતએ હમેશા ખુશ રહેવું જોઇએ, મિત્રો સારા હોવા જોઇએ, ઉમરમાં મોટા મિત્રો હમેંશા યોગ્ય માર્ગદર્શન આપે છે. જેમ વધુ મિત્રો તેમ વ્યકિત પોતાના પ્રશ્ર્નો વધુ શેર કરી નિરાકરણ લાવી શકે છે આ ઉપરાંત ‘કોલ્ડવોર’નું આજે એક મુખ્ય કારણ અલગ થતો જતો પરિવાર પણ છે. સંયુકત પરિવારમાં રહેતો વ્યકિત પોતાનો કોઇપણ પ્રશ્ર્ન, મનનો ભાવ માતા-પિતા, ભાઇ-બહેન સાથે શેર કરી શકે છે અને નિરાકરણ લાવી શકે છે તૂટતાં પરિવારોને કારણે એકલતા પણુ, નર્વસનેસ વધી રહ્યું છે. અગાઉના સમયમાં અને હજુ પણ ગામડાની પરિસ્થિતિ જોઇએ તો ત્યાં લોકો સાંજે મળી વાતોચીતો કરી એકબીજાની મુશ્કેલીઓ હળવી કરતાં હોય છે જયારે આજે શહેરનો માણસ કામકાજેથી આવી ઘરના દરવાજા બંધ કરી પોતાના પ્રશ્ર્નમાં એકલો અટૂલો મૂંઝાય છે અને મનનો ભાર હળવો કરી શકતો નથી આવી પરિસ્થિતિમાં લોકોએ લાગણીશીલ પણ બનવાની જરુરી છે.