આર્થિક રીતે અર્થતંત્ર માટે નકારાત્મક પરિબળ ગણાતા ફૂગાવા અને ફાયનાન્સીયલ ડિફેન્સીએટીવ એટલે કે કેટલાક અંશે તંદુરસ્ત અર્થતંત્ર માટે ફૂગાવો જરૂરી છે. સામાજિક-આર્થિક વ્યવહારમાં એક કહેવત છે કે, ઘી પીવા માટે કરજ કરવુ પડે તો તે ખોટનો ધંધો અને મૂર્ખતા નહિં પરંતુ બુદ્ધિમત્તાનું કામ ગણાય છે
નિરોગી શરીર કુદરતની અપરંપરારૂપા ગણાય છે. સ્વાસ્થ્ય એ જ સાચી સમૃદ્ધિનો પર્યાય ગણાય છે. તાવ, શરદી જેવી વ્યાધી ભલે તંદુરસ્ત શરીર માટે ઉપાધી ગણાતી હોય પરંતુ થોડા પ્રમાણમાં નુકશાનકારક ગણાતી શરદી પણ સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ ગણાય છે. શરદીને ‘અભિશાપ’ નહિ આશીર્વાદરૂપ ગણવી જોઇએ. શરીરમાં જો શરદીનું પ્રમાણ ન હોય તો કેટલીક દૈહિક પ્રક્રિયા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ શિથીલ થઇ જાય છે. થોડા પ્રમાણમાં શરદી, ઝુકામ શરીરમાં પ્રવેશે તો શરીર તેના પ્રતિકાર માટે આપોઆપ તૈયાર થઇ જાય છે. શરદી માટેની શરીરની આ કવાયત એકંદરે આરોગ્યને વધુ મજબૂત અને તંદુરસ્તી તરફ લઇ જવા માટે નિમિત્ત બને છે. દૈનિક રસોડાની રોજીંદી ક્રિયામાં પણ નગણ્ય ગણાતુ મીઠુ ન હોય તો.., મીઠુ તો ખારાશ આપે છે. સ્વાદરસ માટે જો ખારાશ પણ અનિવાર્ય હોય તો દરેક સારી બાબતમાં કયારેક-કયારેક નરસી બાબતો પણ પૂર્ણતા માટે આવશ્યક બને છે. આપણે તંદુરસ્ત જીવન માટે સંપૂર્ણપણે નિરોગી અવસ્થાનો આગ્રહ રાખીએ છીએ અને શરદીને આરોગ્યની સમસ્યા ગણીએ છીએ પરંતુ એવુ નથી. માનવ શરીર માટે શરદી અભિશાપ નહિં પરંતુ આશીર્વાદ બની રહે છે.
માનવ શરીરની રચનાની જેમ જ દેશનું અર્થતંત્ર પણ અનેક પરિબળોના આધિન કાર્યરત છે. અર્થતંત્ર અને આર્થિક સમૃદ્ધિ માટે આવક, ઉત્પાદકતા, આવકના સાધનોને સકારાત્મક પરિબળો ગણવામાં આવે છે. પરંતુ તમને એ જાણીને નવાઇ થશે કે આર્થિક રીતે અર્થતંત્ર માટે નકારાત્મક પરિબળ ગણાતા ફૂગાવા અને ફાયનાન્સીયલ ડિફેન્સીએટીવ એટલે કે કેટલાક અંશે તંદુરસ્ત અર્થતંત્ર માટે ફૂગાવો જરૂરી છે. સામાજિક-આર્થિક વ્યવહારમાં એક કહેવત છે કે, ઘી પીવા માટે કરજ કરવુ પડે તો તે ખોટનો ધંધો અને મૂર્ખતા નહિં પરંતુ બુદ્ધિમત્તાનું કામ છે. ઘીની કહેવતમાં જોવા જઇએ તો કરજ ભલે થઇ જાય, તેના બદલામાં શરીર શક્તિશાળી અને હૃષ્ટપૃષ્ટ રહે તો કરેલુ કરજ તો મહેનત કરીને ઉતરી જાય, પણ જો ઘી પીવા માટે પૈસા નો વાપરવાનો લોભ કરો અને શરીર પતી જાય તો ઘોડી અને ફાળીયુ બંને જાય એવો ઘાટ સર્જાય. ભારતના અર્થતંત્રની પણ આ જ રીતે મૂલવણી કરી શકાય. આર્થિક સુધારાઓ અને અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે અર્થશાસ્ત્રીઓને ખાસ કરીને સરકારના નીતિશાસ્ત્રીઓ દ્વારા વિકાસને વેગવાન બનાવવા માટે અને બજેટને વિકાસલક્ષી બનાવવા માટે જરૂરી એવી ફૂગાવાની ચિંતા કર્યા વગર ભલે થોડો ફૂગાવો કે આર્થિક ખાધ આવે પણ અર્થતંત્રમાં ક્યાંય નાણાકીય ખેંચ કે અછતનો અવરોધ નડવો ન જોઇએ. ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર સુધી લઇ જવા માટે સરકારે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરેલુ લક્ષ્ય સાધવા માટે માત્ર સારી બાબતો સિવાય એકપણ નકારાત્મક બાબતોને અડ્યા વગર સંઘ દ્વારકા પહોંચાડવું શક્ય નથી. આર્થિક મોરચે આવક જાવકના હિસાબની પરવાહ કર્યા વગર ઉદાર મતવાદી અભિગમ અપનાવવો જોઇએ. શરીર માટે થોડી ઘણી શરદી જરૂરી છે તેવી રીતે અર્થતંત્રમાં ખર્ચ માટે અને વિકાસ માટે કામે લગાડવા માટે આર્થિક કરજ અને નાણાંકીય ખાધને નકારાત્મક નહિ પરંતુ સકારાત્મક બાબત ગણવી જોઇએ. વિકાસ માટે પૈસા ખર્ચશો તો તેનું ચાર ગણુ વળતર મળવાની આશા જીવંત થશે. અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે ખાધની પરવાહ કરવી પરવડે પણ નહિ, હિતાવહ પણ નથી અને ખાધથી ડરીને હાથ સંકેલી લેવો તે કરકસર નહિ પરંતુ મુર્ખામી બની શકે છે.
રાજકોષીય ખાધ ઉભી થાય તો પણ ગભરાવવાની જરૂર નથી. આ વખતની જ વાત કરીએ તો કેન્દ્રીય બજેટમાં ૧૦.૭૫ લાખ કરોડની રાજકોષીય ખાધ આવનાર બજેટમાં સરભર થઇ જશે. ખર્ચ કર્યા વગર કાંઇ મળે નહિ. વિકાસ માટે ખર્ચ કરતા ગભરાવવું ન જોઇએ. ભારતના અર્થતંત્રને સદ્ધર બનાવવા માટે કૃષિની આવક, ઔધોગિક ઉત્પાદન અને વિકાસ ક્ષેત્રને મજબૂત કરીને આયાતની અવેજી ઘર આંગણે ઉભી કરીને અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં ભારતની આર્થિક તરક્કી આગળ વધી રહી છે. આર્થિક બજેટમાં રાજકોષીય ખાધને નીતિવિષયક તજજ્ઞો આર્થિક ઉન્નતિનું કારણ ગણાવી રહ્યા છે. ભારતનું અર્થતંત્ર ખર્ચ કરીને કમાવવાની રણનીતિ આગળ વધી રહી છે. તેના પરિણામો પણ સારા મળશે.