- “સિધ્ધ સંતો ગમે તે અવસ્થા (સંસારી કે ત્યાગી) સ્વરૂપે હોઈ શકે તેમને ખાસ કોઈ વેશભૂષા તિલક ટપકા કે ખાસ મઠ મંદિરોમાં સ્થાન હોવું જરૂરી નથી !”
- સિધ્ધ તપસ્વી વખતસિંહ બાપુ ગૌતમગઢ
મુળી પોલીસ સ્ટેશનમાં3 ક્રાઈમ ઘણુ ઓછું હોઈ કયારેક સાંજના સમયે જકાતનાકાની ઓફીસે બેસવા જતો. અહિંથી સમગ્ર તાલુકાની પ્રજા પસાર થતી હોય. જેથી સમગ્ર તાલુકા અને જિલ્લાના રાજકારણ અને સામાજીક વાતો જાણવા મળતી. આથી પોલીસ પણ સમય-સંજોગો પ્રમાણે અપ-ડેટ થતી રહે તે મારી ફરજને અનુલક્ષીને હતો. પણ તેમાં મારો મુખ્ય મુદો જુની વાતો જેવી કે આ વિસ્તારની ધાર્મિક સંસ્કારીક વાતો જાણવાનો પણ રહેતો.
તે પ્રમાણે મેં જકાત ઠેકેદાર મહિપતસિંહને પૂછયું કે બટુક મહારાજ સિવાય કોઈ પ્રખર સાધુ સંત મુળી તાલુકામાં થયા ?તેમ પુછતા તેમણે વાત કરી કે મુળી અને સુરેન્દ્રનગર વચ્ચે જે નાયકા ડેમ છે. ત્યાં પહેલા નાયકા ગામ હતુ. પરંતુ ત્યાં ડેમ બનતા ગામ ડુબમાં જતા નવુ ગામ ઉંચાણ વાળા વિસ્તાર ઉપર વસાવ્યું. તે ગામના કોઈ સમૃધ્ધ દાતાના વારસદારના નામ ઉપરથી જુના નાયકા ગામનું નામ બદલીને ગૌતમગઢ નામ આપીને વસાવ્યું. આ ગૌતમગઢ ગામના એક સીધા સાદા ખેડુત ખાતેદાર વખતસિંહ પરમાર ખેતી કરીને પોતાનું સાદુ સંસારી જીવન ગુજારતા હતા. એક દિવસ તેમની ખેતીની જમીનમાં પોતાના પુત્ર સાથે ખેતીનું કામ કરી રહ્યા હતા. તે સમયે તેમના દીકરાને ફણીધર નાગે ડંશ દેતા તરત જ તેમના દીકરાની ચામડીનો રંગ ભૂરો થવા લાગતા વખતસિંહને થયું ખલાસ હવે મારો દીકરો નહી બચે. જેથી તેમણે ભગવાનને શ્રધ્ધા અને ટેકથી હૃદયપૂર્વક પ્રાર્થના કરી કે હે ભગવાન જો મારો દીકરો બચી જશે તો હું હવે અત્યારથી સંસાર ત્યાગી અહિં વાડીમાં જ જીંદગીભર ભકિત કરીશ. કયારેય ગામમાં કે ઘેર નહી જાવ ! જાણે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી અને તેમનો દીકરો સાજો થઈ ગયો. પછી તો આ એક ક્ષત્રિયની ટેક તે દિવસ પછી વખતસિંહ કયારેય ગૌતમગઢ ગામે કે ઘેર પણ ગયા નહી. પછી વખતસિંહ બાપુએ વાડીમાં જ એક ઝુંપડી બાંધી તેમાં નિવાસ કર્યો. સફેદ ધોતી અને સફેદ પહેરણ ધારણ કરી પ્રભુ ભકિત ચાલુ કરી સાથે સાથે વાડીમાંજ કર્મયોગ કરી દીકરાને ખેતીમાં મદદ કરતા બાકીનો સમય ભજન-ભકિત, તેઓ 105 વર્ષના થયા છે. પરંતુ ગમે તેવી ઠંડી, વરસાદ, ગરમી કે કુદરતી આપતીઓમાં પણ તેઓ ઝુંપડીમાં જ રહે છે અને તંદુરસ્ત છે. હવે તો માથાના વાળ કપાવતા નહી હોઈ સાધુ જેવી જટાપણ થઈ ગઈ છે.
આ કળજુગમાં આવી નેક-ટેક અને ભકિત કયાં છે? માણસો તક્ સાધુ થઈ ગયા છે. વચન તો શું પ્રતિજ્ઞાનું પણ કોઈ પાલન કરતું નથી. આ વાત સાંભળી મને મનમાં થયું કે ખરેખર આ નેક-ટેક તપસ્વીના દર્શન કરવા જોઈએ મેં નકકી કર્યું કે હવે ગૌતમગઢ બાજુ જવાનું થાય ત્યારે વાત.
એક દિવસ હું સવારના નવેક વાગ્યે પોલીસ સ્ટેશનમાં કામ કરતો હતો ત્યારે સુરેન્દ્રનગરથી ખેતીવાડી ખાતાના અધિકારી એસ.કે. ઝાલા (માલણીયાદ)મારી પાસે આવ્યા. હું કોલેજમાં ભણતો ત્યારે તેઓ ભાવનગર ફરજમાં હતા. ત્યારનો પરિચય જેથી ચા-પાણી કરાવ્યા, તેઓએ કહ્યું મારી પાસે કોઈ વાહન નથી તમારૂ મોટર સાયકલ આપો તો મારે પાંડવરા ગામે એક પ્રસંગમાં હાજરી આપવી છે. આથી મેં કહ્યું મારે પણ પાંડવરા ગામે યજ્ઞમાં જવાનું આમંત્રણ છે. અને જવું છે. થોડીવાર રોકાવ તો આપણે સાથે જઈએ. પણ ખાસ ગૌતમગઢ ગામે થઈને જવું છે. તેમણે પુછયું કેમ સીધા પાંડવરા નહી ? મેં કહ્યું મારે મુળી પોલીસ સ્ટેશનમાં હાજર થયે ઘણો સમય થયો છે. સાંભળ્યું છે કે ગૌતમગઢ ગામે એક ત્યાગી અને તપસ્વી વખતસિંહ બાપુ છે. ખુબ મોટી ઉંમરના છે અને સીમમાંજ રહે છે. તેમના દર્શન કરી ને મળવું છે. ભલે કાચો રસ્તો લેવો પડે. આમ અમે બંને ગૌતમગઢ ગામ વટાવીને પાંડવરા ના કાચા રસ્તે સીમમાં એક વાડીમાં આવ્યા જયાં વખતસિંહ બાપુ પર્ણકુટીર બનાવીને રહેતા હતા.
બાપુની વાડીમાં જતા લીલોતરી હતી અને શેઢા ઉપર એક પર્ણકુટી કે ઝુંપડી હતી તેમાં અમે બંને જણા જતા વખતસિંહ બાપુ એકલાજ જમીન આસન ઉપર બેસીને માળા ફેરવતા હતા. બાપુનો તેજસ્વી ચહેરો માથે મોટી જટા અને છ છુટ જેટલી ઉંચાઈ 105 વર્ષની ઉંમર પણ સશકત હતા. મને જોઇ, બાપુ બોલ્યા કે પધારો પધારો ફોજદાર સાહેબ ‘હું તો તમે મુળી હાજર થયા ત્યાંથી જ રાહ જોઉ છું !’ તેઓ ખુબ ખુશ થયા અને ઉભા થતા બોલ્યા કે શું લેશો મેં કહ્યું બાપુ બેસો બેસો અમે નાસ્તો કરીને જ આવ્યા છીએ. બસ આર્શીવાદ આપો પણ તેમણે કહ્યું અરે ગોહિલવાડના મહેમાન કયાંથી ? અને તેમની ઝુંપડીની બાજુમાં એક ઓરડી હતી. તેમાં ગયા આથી એસ.કે. ઝાલાએ મને પુછયું કે તમને બાપુ ઓળખે છે? મેં કહ્યું ના પરંતુ મેં રીવોલ્વર બાંધી છે. તેથી અહિંના ફોજદાર તરીકે ઓળખી ગયા હશે. બાપુએ પેંડાનો પ્રસાદ આપી આગ્રહથી ચા-પાણીનું કહેતા મેં બાપુને કહ્યું બાપુ આપ બેસો થોડી આપ સાથે જ્ઞાન-અનુભવની વાતો કરીએ તેથી તેઓ બેઠા.
મારે તો આ વયોવૃધ્ધ વખતસિંહ બાપુને મુળી વિસ્તારના અલગારી અને ધુની બટુક મહારાજ વિશે પુછવું હતુ. તેથી પુછતા વખતસિંહ બાપુએ કહ્યું ખરેખર બટુક મહારાજ અવધૂત અને સિધ્ધ સંત છે. મારી આટલી ઉંમર છે. પરંતુ હું જયારથી સમજણો થયો ત્યારથી બટુક મહારાજને આવાને આવા 30-35 વર્ષના જોઉ છું તેઓ લગભગ જમતા નથી. મને હવે નવાઈ લાગી કે બાપુ 105 વર્ષના એટલે એનો અર્થ એ થયો કે 100 વર્ષથી બટુક મહારાજ આવા 30-35 વર્ષના જ લાગે છે ! મારે વખતસિંહ બાપુને ખોટા માનવાનું કોઈ કારણ નહોતું.
જોગાનું જોગ જુઓ કે હું વખતસિંહ બાપુને ગૌતમગઢ તેમની વાડીમાં મળ્યો પછી અઠવાડીયામાં જ તેઓ સ્વર્ગે સીધાવી ગયા ! મને આશ્ર્ચર્ય સાથે દુ:ખ થયું કે બાપુ ચાલ્યા ગયા? તેમનો આવકાર અને તેના શબ્દો મારા મનમાં ગુંજતા હતા.
ત્યારબાદ પાંચ છ વર્ષ પછી સને 1988-89માં હું ગોધરા રેલવે પોલીસ સ્ટેશનથી અમદાવાદ સીઆઈડી ક્રાઈમ સી.આઈ. સેલમાં ઓલ ઈન્ડીયા પોલીસ ડયુટી મીટ માટે ગયો ત્યારે મારે એક સંસારી પણ ત્યાગી અને કર્મયોગી પોલીસ અધિકારીનો સંપર્ક થયો. તેમની સાથે ઘણી ધાર્મીક વાતો થતા તેઓ મને એક વખત ભદ્રકાળી મંદિર પાસે સસ્તુ સાહિત્ય પુસ્તક ભંડારમાં લઇ ગયા અને મારી પાસે વેદાંતના ઘણા પુસ્તકો ખરીદી કરાવ્યા. આથી આ અધિકારીને ત્યારથી હું મારા આધ્યાત્મિક ગુરૂ માનુ છું. તેમણે એક વખત ધાર્મીક ચર્ચા દરમ્યાન પુછેલું કે છેલ્લે તમે મુળી હતા તો ત્યાં કેટલાક સંતોને મળ્યા હશોને ? મેં તેમને નામ ગણાવતા તેમણે કહ્યું કે મારૂ ગુરૂ સ્થાન સાણંદ ગોધાવી પાસેનોમુની આશ્રમ છે. અને મુની બાપુ સિધ્ધસંત થઈ ગયા તે મારા ગુરૂ છે. આ આશ્રમમાં મેં એક વખત એક ધુની અડબંગ મૂર્તી જોયેલ ત્યારે આશ્રમના સાધકોએ કહેલ કે આ મુળીના બટુક મહારાજ સિધ્ધ પુરૂષ છે તથા બીજા એક તપસ્વી સંત વખતસિંહ બાપુ પણ ગૌતમગઢ ગામે છે. તેમણે કહ્યું સિધ્ધ તપસ્વી ગમે તે સ્થિતિ અવસ્થામાં હોય સંસારી હોય, સાધુ હોય કયારેય રાજકારણી કે ડોકટર, શિક્ષક, નર્સ રૂપે પણ પોતાનું પ્રારબ્ધ પ્રાપ્ત જીવન ગુજારતા હોય છે. દરેક સિધ્ધ સંતો કોઈ પરચા આપે કે ચમત્કાર કરે તે જરૂરી નથી કે સંન્યાસીનો વેશ જ જરૂરી નથી, પરંતુ તેની સાધના કેવી છે તે મહત્વનું છે.
ઈશ્ર્વર પઅણિઘાનાદા અર્થાત ઈશ્ર્વરની ઉપાસના દ્વારા પણ સમાધિ પ્રાપ્ત થાય છે.
સ્વાધ્યાયાદિષ્ટ દેવતા સંપ્રયોગ :॥
એટલે કે સ્વાધ્યાય (મંત્ર જપ વડે પણ ઈષ્ટદેવતાનો) સક્ષાત્કાર થાય છે.
આથી આપણા સનાતન ધર્મના જે સામાન્ય દેખાતા સંતો પણ તે અવસ્થામાં સિધ્ધ હોઈ શકે ! તેમને ખાસ કોઈ વેશ ભૂષા કે તિલક-ટપકા કે ખાસ મઠ મંદિરોમાં સ્થાન હોવું જરૂરી નથી ! ફકત વ્યકિતમાં એક દ્દઢ ઈચ્છા હોવી જોઈએ ભગવાનમય થવાની !