દિવસનું તાપમાન પ્રથમ વખત ૨૫.૯ ડિગ્રી થતા શહેર શીત લહેરમાં ફેરવાયું: કાલથી ઠંડીમાં આંશિક રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી: ૨૨ મી ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષાનો બીજો રાઉન્ડ શરૂ થયા બાદ ફરીથી ઠંડી વધે તેવી શકયતા
ચાલુ વર્ષે શિયાળાની મોસમ દરમિયાન આજે ૬.૨ ડિગ્રી તાપમાન સાથે નલીયા શહેર ઠંડુગાર બની ગયું હતું. જે રાજયમાં ચાલુ વર્ષે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. ઠંડીનો પારો નીચો ઉતરતા હેમ પડયું હોય તેવો માહોલ અનુભવાયો હતો. સામાન્ય જનજીવન ઉપર માઠી અસર જોવા મળી હતી.રાજકોટમાં પણ આજે સિઝનનું સૌથી નીચું તાપમાન ૧૦.૩ ડિગ્રી નોંધાયું હતું. હિમવર્ષાનાં કારણે સમગ્ર ઉતર ભારત કાતિલ ઠંડીની આગોશમાં લપેટાઈ ગયું છે તેની અસર ગુજરાતમાં પણ વર્તાવવા લાગી છે. સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા શહેર આખું શીત લહેરમાં ફેરવાઈ ગયું હોય તેવી કડકડતી ઠંડીનો અહેસાસ અનુભવાયો હતો જેનાં કારણે વસાહતીઓ રીતસરનાં ઠરી ગયા હતા જોકે આવતીકાલથી ઠંડીનાં આંશિક ઘટાડો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને ૨૨ ડિસેમ્બરથી ઉતર-ભારતમાં હિમવર્ષાનો બીજો રાઉન્ડ શરૂ થશે ત્યારબાદ ફરી ગુજરાત સહિતનાં રાજયોમાં કોલ્ડવેવ પડે તેવી આશા વ્યકત કરાઈ રહી છે.
આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦.૩ ડિગ્રી નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૨૫.૯ ડિગ્રી જેટલું નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા અને ૯ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. આ સાથે જ સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. નલીયામાં પણ લઘુતમ તાપમાન ૬.૨ ડિગ્રી નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું. રાજયભરમાં સૌથી વધુ ઠંડી નલીયામાં પડી રહી છે ત્યારે ડિસાની વાત કરીએ તો ડિસામાં લઘુતમ તાપમાન ૯.૪ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૫.૨ ડિગ્રી જેટલું નોંધાયું છે.
રાજયભરમાં શહેરોમાં લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૩.૪ ડિગ્રી, ડિસાનું ૯.૪ ડિગ્રી, વડોદરાનું ૧૫ ડિગ્રી, સુરતનું ૧૬.૬ ડિગ્રી, રાજકોટનું ૧૦.૩ ડિગ્રી, ભાવનગરનું ૧૪.૬ ડિગ્રી, પોરબંદરનું ૧૩.૬ ડિગ્રી, વેરાવળનું ૧૭ ડિગ્રી, દ્વારકાનું ૧૫.૩ ડિગ્રી, ઓખાનું ૧૮.૬ ડિગ્રી, ભુજનું ૧૦.૪ ડિગ્રી, નલીયાનું ૬.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૨ ડિગ્રી, ન્યુ કંડલાનું ૧૧.૪ ડિગ્રી, કંડલાનું ૧૦.૬ ડિગ્રી, અમરેલીનું ૧૦.૪ ડિગ્રી, ગાંધીનગરનું ૧૧.૪ ડિગ્રી, મહુવાનું ૧૪.૩ ડિગ્રી, દિવનું ૧૬.૮ ડિગ્રી, વલસાડનું ૧૭.૧ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરનું ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ભેજનાં ઉચ્ચા પ્રમાણનાં કારણે ઠંડીમાં ઠાર પડયો હોય તેવું લાગી રહ્યું છે તેનાં કારણે વૃદ્ધો અને દર્દીઓ ખુલ્લામાં રહેતા લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. હવામાન ખાતાનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હજુ ઠંડીનું જોર વધશે જોકે આવતીકાલથી બે થી ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળશે ત્યારબાદ ૨૨ ડિસેમ્બરથી ઉતર ભારત એટલે કે જમ્મુ-કાશ્મીર, ઉતરાખંડમાં બીજો રાઉન્ડ હિમવર્ષાનો શરૂ થશે ત્યારબાદ ગુજરાત, રાજસ્થાન સહિતનાં રાજયોમાં ફરી ઠંડીનું જોર વધશે.