- બંગાળની ખાડીમાં સક્રીય થયેલાં વાવાઝોડાની અસરથી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા ઠંડીનું જોર વધ્યું
- 4થી 6 ડિસેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા
ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને સાથે જ શિયાળાએ પણ પોતાનો અસલી ચહેરો દેખાડવાનું શરૂ કરી દીધું છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં તાપમાન નીચું જતાં જ ઠંડીનો જારદાર ચમકારો અનુભવાયો હતો. રાજ્યમાં લઘુતમ તપામાન 12 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. નલિયામાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. ગુજરાતમાં તાપમાન ગગડી રહ્યું છે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં 12 ડિગ્રીથી લઈને 21.9 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન રહ્યું હતું. જેમાં નલિયા 12 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે સુરતમાં 21.9 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 164 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી, વડોદારમાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે રાજકોટમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે શહેરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના તાપમાન અંગે વાત કરીએ તો શહેરમાં 15.4 ડિગ્રી લઘુતમ અને 29 ડિગ્રી મહત્તમ તપામાન નોંધાયું હતું.
આમ અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રીની નજીક પહોંચી ગઈ હતી. ઠંડીના પગલે વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો પણ સર્જાય છે. ઠેરઠેર તાપણા પણ જોવા મળી રહ્યા છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડી વધવા લાગી છે ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં ઠંડી રેકોર્ડ તોડી શકે છે.
સિઝનમાં ડિસેમ્બર દરમિયાન સૌથી વધુ ઠંડી પડતી હોય છે. હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલાં વાવાઝોડાની અસરથી ઠંડા પવનો શરૂ થયાં છે. તેમજ ઠંડા પવનોની સાથે પવનની ગતિ પણ 15 કિલોમીટરથી વધુ રહી છે, જેને કારણે 3 ડિસેમ્બર સુધી શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેશે. પરંતુ, 2 ડિસેમ્બરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે, જેને કારણે 4થી 6 ડિસેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થશે.
ડિસેમ્બરના છેલ્લાં બે અઠવાડિયા દરમિયાન મહિનાનું સૌથી નીચું તાપમાન નોંધાવાની શક્યતા છે.