અરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડુ સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો: ૧૬.૨ ડિગ્રી તાપમાન સાથે રાજકોટ ઠુંઠવાયું
દક્ષિણ-પશ્ર્ચિમી અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ યથાવત રહેતા અને પવન નામનું નવું વાવાઝોડુ સક્રિય થતા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. રાજયનાં મોટાભાગનાં શહેરોમાં શુક્રવારે અને આજે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણનાં કારણે મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જોકે રાજયમાં લઘુતમ તાપમાન નીચું ગયું છે ત્યારે રાજયનું સૌથી ઠંડુગાર શહેર નલીયામાં ૧૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે તેમજ ૧૬.૨ ડિગ્રી તાપમાનથી રાજકોટ ઠંડીથી ઠુઠવાઈ ગયું છે. આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે હળવા વરસાદની આગાહી કરી છે.
મળતી માહિતી મુજબ આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી નોંધાયું છે અને મહતમ તાપમાન ૨૬.૮ ડિગ્રી જેટલું નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને ૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસની સરખામણીએ વાત કરીએ તો પારો ૫ ડિગ્રી જેટલો ગગડયો છે અને ઠંડીનું જોર પણ વઘ્યું છે. આ ઉપરાંત નલીયામાં લઘુતમ તાપમાન ૧૫.૬ ડિગ્રી જયારે મહતમ તાપમાન ૨૭.૮ ડિગ્રી જેટલું નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા અને ૭ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો છે. આગામી ૨૪ કલાકમાં પવન નામનું વાવાઝોડું સોમાલીયાનાં સમુદ્ર કિનારે ડિપડિપ્રેશનમાં ફેરવાઈ તેવી સંભાવના છે જેનાં કારણે ૫૫ થી ૬૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે જોકે પવન વાવાઝોડાની ગુજરાત પર આગામી દિવસોમાં કોઈ અસર થશે નહીં તેવું પણ જાણવા મળી રહ્યું છે બીજીબાજુ અમદાવાદમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
આમ હવે ધીરે-ધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરવામાં આવી છે ત્યારે શિયાળાની ઠંડીમાં ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. મોટાભાગનાં લોકો મોડીરાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજર પડવા લાગી ગયા છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારે બાગ-બગીચા હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફીટનેસ મેળવવા માટે જીમ જતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે અને હજુ આવતા દિવસોમાં ઠંડી વધુ જોર પકડે તેવી શકયતા સેવાઈ રહી છે.