નલીયા ૧૦ ડિગ્રી, અમરેલી ૧૨.૪ ડિગ્રી, જૂનાગઢ ૧૩.૪ ડિગ્રી અને રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી: ઠંડાગાર પવનના સુસવાટા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજયભરમાં હાથ થ્રીજાવતી કાતીલ ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું છે. લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો છે પરંતુ ઠંડાગાર પવનોના સુસવાટાના કારણે લોકો ધ્રુજી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૫ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૬ ડિગ્રી સેલ્શીયસ જયારે ગઈકાલનું મહતમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલ કરતા આજે પારો ઉંચકાયો હતો છતાં ઠંડા પવનના સુસવાટા ચાલુ રહ્યા હતા.
કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૦ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને પવનની સરેરાશ ઝડપ શાંત રહેવા પામી હતી. અમરેલીનું લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને ગઈકાલનું મહતમ તાપમાન ૩૩.૪ ડિગ્રી જયારે પવનની ઝડપ ૫.૫ કિમી નોંધાઈ હતી. જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૧૩.૪ ડિગ્રી નોંધાયું હતું. મહતમ તાપમાન ૧૫.૬ ડિગ્રી ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૨.૭ કિમી રહેવા પામી હતી. ઠંડીથી રક્ષણ આપવા માટે દ્વારકાના જગત મંદિરે ઠાકોરજીને શીત કાલીન શૃંગાર કરવામાં આવી રહ્યો છે.