બે દિવસમાં ઠંડી વધે તેવી હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ધીમે-ધીમે શિયાળો જમાવટ કરી રહ્યો છે. આજે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી બે દિવસમાં હજુ રાજ્યભરમાં તાપમાનનો પારો નીચો પટકાશે અને જોરદાર ઠંડી શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે કચ્છનું નલીયા ૧૫.૮ ડિગ્રી સેલ્સીયસ સો રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે. રાજકોટમાં પણ તાપમાનનો પારો ગઈકાલ કરતા એક ડિગ્રી નીચો પટકાતા વહેલી સવારે ગરમ કપડાં ધારણ કરવા પડે તેવી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો.
આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૮.૬ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૨૧ ડિગ્રી રહેવા પામ્યું હતું. ગઈકાલનું મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી નોંધાયું છે. આજે ગઈકાલની સરખામણીએ લઘુતમ તાપમાનમાં એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતો વહેલી સવારે અને મોડી રાત્રે લોકોએ ઠંડીનો અહેસાસ અનુભવ્યો હતો. સવારે ગરમ કપડા ધારણ કરવા પડે તેવી ઠંડી જોવા મળી હતી. કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૫.૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને પવનની ઝડપ સરેરાશ ૩ કિ.મી. રહેવા પામી હતી. નલીયા આજે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યું છે.
સુરેન્દ્રનગરમાં પણ આજે તાપમાનનો પારો પટકાયો હતો. અહીં લઘુતમ તાપમાન ૧૮.૯ ડિગ્રી નોંધાયું છે. જ્યારે જૂનાગઢનું તાપમાન ૧૮.૬ ડિગ્રી રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩.૫ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. જૂનાગઢનું ગઈકાલનું મહત્તમ તાપમાન ૨૦.૮ ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. મહત્તમ અને લઘુતમ તાપમાનમાં માત્ર ૨ જ ડિગ્રીનો તફાવત હોય જૂનાગઢમાં દિવસ દરમિયાન ઠંડી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આગામી બે દિવસમાં રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૧૫ ડિગ્રી સુધી પટકાય તેવી શકયતા છે. અમુક શહેરોમાં તાપમાન સિંગલ ડિઝીટમાં પણ રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.