સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ ઠંડીનો દોર યથાવત રહ્યો છે અને ઠંડી આક્રમક બની છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પારો વધઘટ થવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૮.૭ ડિગ્રી જ્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન ૭.૮ ડિગ્રી નોંધાયું હતું.
રાજકોટની વાત કરીએ તો આજે નવા વર્ષના પ્રથમ દિવસની સવારે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૮.૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૫.૬ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને ૬ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જ્યારે નલિયા રાજયનું સૌથી ઠંડુ શહેર જેનું લઘુતમ તાપમાન ૭.૮.ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૩.૪ ડિગ્રી નોંધાયું હતું જયારે હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને ૯ કિમિ પ્રતિકલાકની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો જ્યારે જૂનાગાઢનું લઘુત્તમ તાપમાન ૯.૫ અને મહતમ તાપમાન ૧૨.૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને ૮ કીમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
ઉત્તરીય પવનોને કારણે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીએ બરાબરનો રંગ પકડ્યો છે. નવા વર્ષે પણ રાજ્યમાં ઠંડીનો દોર યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ભારતમાં ઠંડી વધતા હજુ આવતા ૭૨ કલાકમાં ઠંડી વધવાની સંભાવના છે અને લઘુતમ તાપમાન ઘટીને પારો ત્રણ થી પાંચ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. વધી રહેલી ઠંડી અને કોલ્ડવેવની આગાહીને પગલે ન્યુ યરની પાર્ટીમાં પણ હીટર અને તાપણા રાખવાની ફરજ પડી હતી. આજે નવા વર્ષની વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં કાતિલ ઠંડી અને બર્ફીલા પવનની સાથે ધુમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડીથી બચવા લોકોએ તાપણા અને જોગિંગનો સહારો લીધો હતો.
આજે રાજ્યભરમાં વિવિધ શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૨.૮ ડિગ્રી, ડીસાનું ૧૦.૬ ડિગ્રી, વડોદરાનું ૧૩.૩ ડિગ્રી, સુરતનું ૧૪.૪ ડિગ્રી, રાજકોટનું ૮.૭ ડિગ્રી, ભાવનગરનું ૧૩ ડિગ્રી, પોરબંદરનું ૧૦.૬ ડિગ્રી, વેરાવળનું ૧૩.૩ ડિગ્રી, દ્વારકાનું ૧૨.૬ ડિગ્રી, ઓખાનું ૧૫.૧ ડિગ્રી, ભુજનું ૭ ડિગ્રી, નલિયાનું ૭.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૧.૫ ડિગ્રી, ન્યૂ કંડલાનું ૧૦.૪ ડિગ્રી, અમરેલીનું ૮.૬ ડિગ્રી, ગાંધીનગરનું ૧૨.૨ ડિગ્રી, મહુવાનું ૧૧.૩ ડિગ્રી, દિવનું ૧૨.૨ ડિગ્રી, વલસાડનુ ૧૨.૬ ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરનું ૧૩.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
જામનગર-ઉકાઈમાં ભૂકંપનાં આચકાથી લોકોમાં ફફડાટ
ઠંડી વધવાની સાથે ભુકંપમાં પણ વધારો થયો છે ત્યારે સૌરાષ્ટ્રની ધરા ફરી એકવાર ધ્રૂજી છે. ગઈકાલે મોડી રાતે ૧:૧૦ કલાકે ઉકાઈથી ૩૫ કિમી દૂર વેસ્ટ સાઉથ વેસ્ટમાં ૧.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જો કે ત્યારબાદ ૨:૦૨ કલાકે જામનગરથી ૨૮ કિમી દૂર સાઉથ સાઉથ ઇસ્ટમાં ૨.૯ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો હતો જેને લઇ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.