ગુજરાતમાં આખરે શિયાળો બેઠો છે તેવુ કહી શકાય. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો દોર આવી ગયો છે. ગુજરાતમાં અનેક શહેરનો ઠંડીનો પારો ગગડ્યો છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 22 તારીખ બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે. વર્તમાનમાં વધેલી ઠંડીને લઈ કહ્યું કે, પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી કે, ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે.
ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે: 11.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું, રાજકોટનું 15.4 ડિગ્રી તાપમાન
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે.
આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે. હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીની લહેર ફેલાઈ ગઈ છે. 11.8 ડીગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. તો અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. તો બનાસકાંઠાના ડીસામાં 12.8 ડિગ્રી અને વડોદરામાં 14.6 ડીગ્રી તાપમાન પહોંચ્યું છે. કેશોદમાં14.5 અને રાજકોટમાં 15.4 ડીગ્રી તાપમાનનો પારો બતાવ્યો છે. ભુજમાં 14.6 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. એક સપ્તાહ સુધી હજુ રાજ્યમાં ઠંડીની હવામાન વિભાગની આગાહી છે.