રાજકોટમાં એક જ દિવસમાં લધુતમ તાપમાનનો પારો 3.5 ડિગ્રી સુધી નીચો પટકાયો:હવે શિયાળો જમાવટ કરશે
વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને ગ્લોબલ વોમિંગની અસરના કારણે ડિસેમ્બર માસના ર0 દિવસ વિતી ગયા હોવા છતાં ગુજરાતમાં ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. દરમિયાન આજથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ઠંડીનું જોર વઘ્યું છે. કચ્છનું નલીયા 10.2 ડિગ્રી સાથે ઠંડુગાર બની ગયુ હતું. જુનાગઢમાં ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 10.3 ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો હવે શિયાળો બરાબરની જમાવટ કરશે. આગામી દિવસોમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશે આવતીકાલે નલીયાનું તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી જાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
ઉત્તર ભારતના રાજયમાં નવેસરથી બરફ વર્ષા થવાના કારણે ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. દિવાળીના બે મહિના વિતવા છતાં રાજયમાં ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ થવાને કારણે લોકો અચરજમાં મૂકાય ગયા છે. ગત સપ્તાહે પડેલા માવઠાના કારણે શિયાળો ડિસ્ટર્બ થયો હતો. આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ઠંડીનું જોર વઘ્યું છે. રાજકોટ શહેરમાં એક જ દિવસમાં લધુતમ તાપમાનનો પારો 3.5 ડિગ્રીસુધી નીચે પટકાયો હતો. કચ્છનું નલીયા આજે 10.2 ડિગ્રી સેલ્સીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ઠંડી શહેર રહેવા પામ્યું હતું. જુનાગઢ શહેરનું લધુતમ તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6ર ટકા અને પવનની ગતિ 4.5 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સામાન્ય રીતે જુનાગઢ શહેર કરતા ગીરનાર પર્વત પર તાપમાન પાંચ ડિગ્રી જેટલું ઓછું હોય છે. ગીરનાર પર્વત પર આજે લધુતમ તાપમાન 10.3 ડિગ્રી રહેવા પામ્યું હતું.રાજકોટ શહેરનું ગઇકાલનું લધુતમ તાપમાન 19 ડીગ્રી રહેવા પામ્યું હતું. આજે એક દિવસમાં પારો 3.5 ડિગ્રી પટકાયું હતું. શહેરનું લધુતમ તાપમાન 15.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી, અમરેલીનું તાપમાન 14.6 ડિગ્રી, બરોડાનું તાપમાન 16.6 ડિગ્રી, ભુજનું તાપમાન 15 ડિગ્રી, ડિસાનું તાપમાન 17.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 12.4 ડિગ્રી અને પોરબંદરનું તાપમાન 16.3 ડિગ્રી નોંધાયું હતું.
આગામી દિવસોમાં ઠંડીના જોરમાં ક્રમશ: વધારો નોંધાશે. જાન્યુઆરી માસમાં હાજા ગગડાવતી ઠંડીનો પડશે. આ વખતે શિયાળાની સીઝન મોડી શરુ પામી છે. ફેબ્રુઆરી માસના અંત સુધી ઠંડી પડશે તેવું અનુમાન છે.