ગરમ વસ્ત્રો હાથવગા રાખજો
ઉત્તર ભારતના પહાડી રાજયમાં આવતીકાલથી હિમ વર્ષાની સંભાવના: ગુજરાતમાં શનિવારથી કડકડતી ઠંડીનો રાઉન્ડ
અબતક,રાજકોટ
વેસ્ટર્ન ડિસટબન્સ પસાર થઈ જતા આકાશમાંથી વાદળોનું આવરણ હટતા છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વહેલી સવારે અને રાત્રી દરમિયાન ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવતીકાલથી ઉતર ભારતના પહાડી રાજયોમાં બરફ વર્ષા થવાની સંભાવના રહેલી છે. જેની અસરના કારણે આગામી શનિવારથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. લઘુતમ તાપમાનનો પારો 2 થી પાંચ ડીગ્રી સુધી નીચો પટકાશે. રાજયમાં એકાદ બે શહેરોમાં મિનિમમ તાપમાન સિંગલ ડિજિટ સુધી પહોચે તેવી પણ શકયતા નકારી શકાતી નથી.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનનો પારો અર્ધો ડિગ્રી સુધી ઉંચકાયો હતો. આજે 8.30 કલાકે શહેરનું તાપમાન 19.4 ડિગ્રી સેલ્સીયસરહેવા પામ્યું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા અને પવનની સરેરાશ ઝડપ 7 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આવતીકાલે ઉતર ભારતના પહાડી રાજયો જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિતના રાજયોમાં હિમવર્ષા થાયતેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જેની અસર ગુજરાતમાં ત્રણ દિવસ બાદ વર્તાવા લાગશે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં શનિવારથી ઠંડીનું જોર વધશે અને લઘુતમ તાપમાનનો પારો 2થી લઈ પાંચ ડિગ્રી સુધી નીચો પટકાશે. રાજયમાં એકાદ બે શહેરોમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોચી જાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
સામાન્ય રીતે દિવાળીના તહેવારથી ગુજરાતમાં ગુલાબી ઠંડી શરૂ થઈ જતી હોય છે. અને 15 નવેમ્બર બાદ શિયાળો બરાબર જમાવટ કરતો હોય છે. આ વર્ષ દિવાળી બાદ ઉપરાઉપર બે વખત કમૌસમી વરસાદ પડવાના કારણે શિયાળો ડિસ્ટર્બ થયો હતો. ગત સપ્તાહે ત્રણ દિવસ રાજયભરમાં માવઠાની અસર જોવા મળી હતી. બે દિવસ કાતીલ ઠંડી પડયા બાદ ઠંડીનું જોરઘટયું હતુ. રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો 13 ડિગ્રીથી પણ નીચો પહોચી ગયો હતો હવે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સંપૂર્ણ પણે હટી ગયું છે. આકાશમાંથી વાદળોનું આવરણ પણ હટી ગયું હોય ઠંડીનું જોર ક્રમશ: વધશે.
આવતીકાલે ઉતરભારતમાં હિમવર્ષા પડશે જેની અસરતળે રાજયમાં શનિવારથી કાતીલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. લઘુતમ તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી સેલ્સીયસ સુધી નીચો પટકાશે અને શિયાળો બરાબરની જમાવટ કરશે આ વર્ષ શિયાળાની સિઝનણ લાંબીચાલે અને કાતીલ ઠંડી પડે તેવી સંભાવના પણ અગાઉ વ્યકત કરવામાં આવી છે.