નલીયા ૧૨.૬ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર ૩૦મીએ જમ્મુ-કાશ્મીરમાં ફરી હિમવર્ષાની સંભાવના: ૩ કે ૪ ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો નવો અને જોરદાર રાઉન્ડ આવશે
જમ્મુ-કાશ્મીર અને શિમલા સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં બે દિવસ પહેલા થયેલી હિમવર્ષાના કારણે આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. વહેલી સવારે રર ધ્રૂજાવતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. કચ્છનું નલીયા ૧૨.૬ ડિગ્રી સેલ્સીયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે. આજે મોટાભાગના શહેરોમાં પારો ૨ થી ૩ ડિગ્રી સુધી પટકાયો હતો. હાલ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાયું છે જેની અસરના કારણે ૩૦મીએ જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સંભાવના છે. રાજ્યમાં ૩ કે ૪ ડિસેમ્બરથી ઠંડીનો એક નવો અને જોરદાર રાઉન્ડ આવશે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર ઉત્તર ભારતના રાજ્યોમાં થયેલી હિમવર્ષાના કારણે છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી ૩ થી ૪ દિવસ સુધી લઘુતમ તાપમાનનો પારો ૧૨ થી ૧૫ ડિગ્રી સેલ્સીયસ વચ્ચે રહેશે. પાકિસ્તાનમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેની અસરના કારણે આગામી ૩૦મીના રોજ જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાની સંભાવના છે. જેની અસરતળે ગુજરાતમાં ૩ કે ૪ ડિસેમ્બરથી ઠંડીનો એક નવો અને જોરદાર રાઉન્ડ આવશે. બની શકે કે આ સમય દરમિયાન અમુક શહેરોમાં તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં પણ પહોંચી જાય.
બીજી તરફ વેસ્ટ રાજસનમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન બન્યું છે જેની અસરના કારણે દક્ષિણના રાજ્યોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં બે દિવસ ધુમ્મસ જોવા મળશે. આગામી ત્રણ દિવસ સુધી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ શે અને બપોરના સમયે થોડી ગરમીનો અહેસાસ લોકો કરશે.આજે રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. કચ્છનું નલીયા ૧૨.૬ ડિગ્રી સેલ્સીયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે. નલીયામાં એક જ દિવસમાં તાપમાનનો પારો ૨.૫ ડિગ્રી સુધી નીચે પટકાયો હતો. અમદાવાદનું તાપમાન ૧૯.૧ ડિગ્રી, ડિસાનું તાપમાન ૧૯.૩ ડિગ્રી, વડોદરાનું તાપમાન ૨૦ ડિગ્રી, રાજકોટનું ૧૭ ડિગ્રી, ભાવનગરનાં ૧૯.૭ ડિગ્રી, ઓખાનું ૧૮ ડિગ્રી, સુરેન્દ્રનગર ૧૮ ડિગ્રી, કંડલાનું ૧૬.૧ ડિગ્રી, મહુવાનું ૧૮.૫ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૧૨ થી ૧૫ ડિગ્રી વચ્ચે રહેશે. આવતા સપ્તાહે ઠંડીનું જોર વધશે. આજે ઠંડીનો ચમકારો જોવા મળતા લોકો સવારના સમયમાં ગરમ કપડામાં વિટોળાયેલા જોવા મળતા હતા. ગઈકાલ સાંજે પણ ઠંડો પવન ફૂંકાવાના કારણે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.