હિમાચલથી કરછ સુધી શીતલ હેરનો પ્રકોપ
ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષાથી દેશના અનેક રાજ્યો કાતિલ ઠંડીની આગોશમાં
ઉતરભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષાથી દેશના અનેક રાજયો કાતિલ ઠંડી ની આગોશમાં આવી ગયા છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો વધ્યો છે. હજુ આગામી ૨ દિવસ સુધી ઠંડીનો સામનો કરવો પડી શકે તેમ છે. રાજયમાં પવનની દિશા બદલાતા ૨ દિવસ કાતિલ ઠંડી નો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આજે રાજકોટ નું લઘુતમ તાપમાન ૯ ડિગ્રી નોંધાયું છે.વહેલી સવારે આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયું હતું જો કે ગઈકાલે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧.૮ નોંધાયું હતું અને એક જ દિવસમાં તે ૩ ડિગ્રી પટકાયું છે. જ્યારે નલિયાનું લઘુતમ તાપમાન ૩.૩ અને મહતમ તાપમાન ૨૩.૭ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને ૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન સામાન્ય ૧૬.૧ ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન ૧૮.૬ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૩૬ ટકા અને ૫.૨ કિમી પ્રતીકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં ગઈકાલે હિમવર્ષા બાદ ૮ જિલ્લાઓમાં ૪ ફૂટ સુધી બરફ જામી ગયો હતો. જેના કારણે ૫૮૮ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતાં. બીજી બાજુ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે પાકિસ્તાનમાં બનેલી સિસ્ટમને કારણે આગામી ૨૪ કલાકમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉતારપ્રદેશમાં વરસાદ વરસી શકે છે. જેને લઈને ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થવાની પુરી શકયતા જોવા મળી રહી છે.
રાજ્યના વિવિદ્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૯.૬ ડીગ્રી, ડીસાનું ૮.૪ ડિગ્રી, વડોદરાનું ૧૦ ડિગ્રી, સુરતનું ૧૨.૮ ડિગ્રી, રાજકોટનું ૯ ડિગ્રી, જૂનાગઢ નું ૮.૮ ડિગ્રી, ભાવનગરનું ૧૩.૪ ડિગ્રી, પોરબંદરનું ૧૨.૪ ડિગ્રી, વેરાવળનું ૧૩.૩ ડિગ્રી, દ્વારકાનું ૧૪ ડિગ્રી, ઓખાનું ૧૭.૨ ડિગ્રી, ભુજનું ૮.૪ ડિગ્રી, નલિયાનું ૩.૩ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૦.૩ ડિગ્રી, અમરેલીનું ૧૦.૩ ડિગ્રી, ગાંધીનગરનું ૭.૫ ડિગ્રી, મહુવાનું ૧૨.૫ ડિગ્રી, દિવનું ૧૦.૫ ડિગ્રી અને વલ્લભ વિધાનગરનું ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠુંઠવાયું
ઉતર ભારતમાં ભારે હિમવર્ષાનાં પગલે પ્રવાસન વિભાગે બુધવારના રોજ એક માર્ગદર્શિકા જાહેર કરી પર્યટકોને જણાવ્યું હતું કે, ભારે હિમવર્ષાનાં કારણે રાજયમાં ૨૫૦થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી લોકોને સીમલા અને મનાલી જેવા પર્યટન સ્થળો પર ફરવા જવાનો વિચારો પડતો મુકવાની ભલામણ કરવામાં આવી હતી. આ સાથે સીમલા પોલીસે પણ ફેસબુક ઉપર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, મોટા શહેરો તરફ દોડી જતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને અત્યારે પ્રવાસીઓ પર રાજયમાં પ્રવાસ કરવો ઉચિત જણાતું નથી તેમ સીમલાનાં એસ.પી.એ સંદેશો આપી પ્રવાસીઓને જયાં સુધી પરિસ્થિતિ ઠારે ન પડે ત્યાં સુધી સીમલામાં જ રોકાઈ જવા સલાહ આપવામાં આવી છે. એવી જ રીતે પોલીસે પણ મનાલીના નીચાણવાળા રસ્તાઓ ભારે બરફવર્ષાનાં કારણે બંધ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
કુલુના એસ.પી.ગૌરવસિંગે ગ્રીન ટેકસ બેરીયલ વિસ્તારમાં કોઈપણ વાહનોને પ્રવેશ નહીં આપવા જણાવ્યું હતું અને કુલુ પોલીસે વાહન ચાલકોને વિનંતી કરતા જણાવ્યું હતું કે, જયાં સુધી બીજી સુચના ન મળે ત્યાં સુધી વાહનોને મનાલી તરફ નહીં લઈ જઈ શકાય. હવામાન ખાતા અનુસાર મંગળવારે ૫:૩૦ વાગ્યાથી બુધવારના ૮:૩૦ વાગ્યા સુધીમાં સીમલામાં પોણો ઈંચ જેટલો બરફ વરસ્યો હતો. ડેલહાઉસીમાં દોઢ ઈંચ, કુલુમાં સવા ઈંચ, કિન્નોરમાં અડધો ઈંચ, ખારપામાં બે ઈંચ, ખટરાલમાં દોઢ ઈંચ જેટલો બરફ પડયો હોવાથી લોકોને હાલનાં તબકકે શીમલા-મનાલી ફરવા ન જવાનું જણાવવામાં આવ્યું હતું અને જે કોઈ પ્રવાસીઓ હાલની તારીખે સીમલા-મનાલીમાં પ્રવાસે આવેલા હોય તે સર્વેને રોકાઈ જવાની અપીલ પણ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરમાં સવારે ભૂકંપનો આંચકો
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપનાં આંચકા અનુભવાઇ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે ૭.૧૪ કલાકે સુરેન્દ્રનગરથી ૨૫ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેંદ્ર બિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જોકે આંચકો સામાન્ય હોય કોઈ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી.