ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો છે. ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો. માવઠાને કારણે મોસમ ખુશનુમા બન્યું છે. જોકે, હવે કમોસમી વરસાદ નહિ આવે. પરંતુ ગુજરાતમાં હજુ 10 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. ત્યારબાદ શિયાળો જામશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ સાતથી દસ દિવસ શિયાળાની રાહ જોવી પડશે. હજુ સાત દિવસ મિશ્ર વાતાવરણ બની રહેશે. બપોરના સમયે ગરમી જ્યારે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. આવા સમયે વાદળો પણ છવાશે.
હજુ 10 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે: સવારે અને સાંજે ગુલાબી ઠંડીનો અનુભવ
હાલ માવઠાની કોઈ શક્યતા દેખાતી નથી. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે.
ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે.