બે દિવસથી શરૂ થયેલી ઠંડીની પકડ વધતાં ઘર-ઓફિસના પંખા બંધ થવા લાગ્યા
દેશના ઉત્તરિય ભાગોમાં છેલ્લા કેટલાકં દિવસોથી સતત હિમવર્ષા થઇ રહી છે. તેની અસરતળે દેશના તમામ ભાગોમાં ઠંડાગાર પવન ફૂંકાઇ રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે ત્યારે નલીયામાં રાજ્યનું ગઇકાલે 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ પારો 15 ડિગ્રી નીચે જોવા મળ્યો હતો અને તે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યભરમાં ઠંડી વધે તેવી શક્યતા છે. આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે પરંતુ હવે શિયાળો પોતાનો પરચો બતાવે અને જોરદાર ઠંડી પડે તેવી વકી છે. છેલ્લા બે દિવસથી પારો ગગડી રહ્યો છે. પવનની સરેરાશ ઝડપ પણ 9 થી 10 કિલોમીટર પ્રતિકલાકે રહેતા પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડી વર્તાઇ રહી છે. બે દિવસથી શરૂ થયેલી ઠંડીની પકડ વધતાં ઘર, ઓફિસના પંખા બંધ રાખવા પડે તેમ છે.
સોમવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 થી 18 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જેના કારણે રાત્રે પરોઢે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. દિવસનું તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેતા સામાન્ય ગરમી પણ વર્તાઇ હતી. હવામાન વિભાગે આગામી કરતા જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ખાસ તો જમ્મુ કાશ્મિરમાં બરફવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
રાજકોટની વાત કરીએ તો આજે વહેલી સવારે રાજકોટનું મહત્તમ તાપમાન 21 ડિગ્રી આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 18.7 ડિગ્રી રહ્યું હતું. પવનની ગતિ 6 કિલોમીટર પ્રતિકલાક જ્યારે હવામાં ભેજ 70 ટકા જેટલો જોવા મળ્યો હતો.