આગામી ત્રણ થી ચાર દિવસ ગરમીમાં સામાન્ય રહેશે: સવારે ઝાકળ વર્ષાના કારણે ઠંડીનો અહેસાસ
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવતા સપ્તાહથી કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ઝાકળ વર્ષા થવા પામી હતી. જેના કારણે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને લોકોએ સવારના સમયે ઠંડકનો અનુભવ કર્યો હતો. આગામી ત્રણ થી ચાર દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આ વર્ષ ઉનાળો આકરો રહેશે.
આજે રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા રહેવા પામ્યુ હતું. પવનની સરેરાશ 6 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. સવારે 8:30 કલાકે તાપમાન 18.6 ડિગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું 90 ટકા નોંધાયુ હતું. સવારે મોડે સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવા પામ્યુ હતું. જેના કારણે ઠંડીનો અહેસાસ થતો હતો. જો કે વિઝિબિલિટી પર્યાપ્ત માત્રામાં હોવાના કારણે હવાઇ સેવા પર અસર થવા પામી ન હતી. રાજ્યભરમાં ગરમીનું જોર ઘટ્યું છે.
ગઇકાલે અમરેલીનું મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે ભાવનગરનું તાપમાન 32.4 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 26 ડિગ્રી, ઓખાનું તાપમાન 26.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 32 ડિગ્રી, રાજકોટનું તાપમાન 34.9 ડિગ્રી, વેરાવળનું તાપમાન 30.6 ડિગ્રી, દિવનું તાપમાન 28.5 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 35 ડિગ્રી, મહુવાનું તાપમાન 34.6 ડિગ્રી અને કેશોદનું તાપમાન 35.5 ડિગ્રી નોંધાયુ હતું.
આગામી ત્રણ થી ચાર દિવસ સુધી તાપમાનનો પારો સ્થિર રહેશે. સવારે અને રાત્રિ દરમિયાન ઠંડકનો અનુભવ થશે. જ્યારે બપોરે ઉનાળા જેવી ગરમી પડશે. આવતા સપ્તાહથી ગરમીનું જોર વધશે.
મિશ્ર સિઝનના કારણે રોગચાળાએ માથું ઉંચક્યુ છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય રહ્યા છે. આ વર્ષ ઉનાળાની સિઝનમાં સુર્યનારાયણ વધુ કાળઝાળ બનશે અને આકાશમાંથી રેકોર્ડ બ્રેક અગન વર્ષા કરશે.