આગામી બે દિવસ શીતલહેરની આગાહી ઉત્તર-પૂર્વ ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડી વધશે

આજે-કાલે રાજ્યના અમુક સ્થળોએ છૂટોછવાયો કમોસમી વરસાદ પડશે: રાજકોટ 11.7 ડિગ્રી, ઠંડીનો પારો ચાર ડિગ્રી ગગડયો

અબતક, રાજકોટ

છેલ્લા બે મહિનામાં સમગ્ર રાજ્યમાં ત્રીજી વખત માવઠાના મારથી ખેડૂતો પરેશાન થઈ ગયાં છે. ગુરૂવારે દિવસ દરમિયાન રાજ્યના 60 તાલુકાઓમાં માવઠું થયું હતું. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ થયો હતો. જો કે ગઈકાલ રાતથી જ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમા આગામી 24 કલાકમાં અમુક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. ત્યાર બાદ પવનની દિશા બદલાશે. તે ઉપરાંત આજથીવાતાવરણ સુકુ થશે અને ફરી કાતિલ ઠંડી શરૂ થશે.જેને કારણે ઠંડીમાં વધારો થશે. રાજકોટમાં આજે વહેલી સવારે ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી ગગડયો હતો અને ઠંડી 11.7 ડિગ્રી જોવા મળી હતી. હજુ આગામી બે દિવસ શીતલહેરની આગાહી કરવામાં આવી છે. ઉતર-પૂર્વ ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડી વધશે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકુ બની જશે અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.રાજ્યમાં આજથીથી 13 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો દોર રહેશે. ત્યાર બાદ 16થી 18 જાન્યુઆરી સુધી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. માવઠાને પગલે ખેડૂતોને માથે વધુ મુશ્કેલીઓ આવશે. માવઠાથી મકાઈ, રજકો, જીરૂં. ધાણા, ઘઉં, મેથી જેવા રવિ પાકને ભારે નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. ગુજરાતને છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત માવઠાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં આવેલા વાતાવરણના પલટાને કારણે ઠંડીમાં વધારો થયો છે. દિવસનું તાપમાન સામાન્યથી ઓછું નોંધાતા દિવસે પણ લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો છે.રાજકોટમાં શુક્રવારે સવારે ફરી વાદળો છવાયા હતા. અમુક વિસ્તારોમાં ઝાપટાં પડયા હતા. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેતા દિવસભર ઠંડી રહી હતી. જો કે લઘુતમ તાપમાન પણ 2.00 ડિગ્રી નીચે જતા 15.2 ડિગ્રી થયું હતું. જો કે હવામાં ભેજનું પ્રમાણ યથાવત રહેતા આજે સવારના ભાગે ધુમ્મસ રહી હતી. આ અંગે હવામાન ખાતાના જણાવ્યાનુસાર એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ પૂરું થયા બાદ બીજુ શરૂ થયું છે. જેને લઈ આજે પારો ચાર ડિગ્રી જેટલો પટકાઈ ગયો હતો. અને લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયું હતું.

કલ્યાણપૂરમાં દોઢ ઈંચ, કલ્યાણપૂર અને પોરબંદરમાં એક ઈંચ વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયકલોનીક સરકયુલેશનની અસર તળે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂરમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. જયારે ભાણવડમાં એક ઈંચ વરસાદ પડયો હતો. જયારે પોરબંદરમાં એક ઈંચ, ખંભાળીયા અને રાણાવાવમાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો. લાલપુર, નેત્રાંગ, કુકરમૂંડા, થરાદ, જામજોધપુર, મુંદ્રા, કુતિયાણા, કાલાવાડ, માંડવી અને જામનગરમાં પણ વરસાદ પડયો હતો. આજથી વાતાવરણ કિલયર થઈ જશે અને ઠંડીનું જોર વધશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.