આગામી પાંચ દિવસ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે: 15મી નવેમ્બર બાદ ઠંડીનો જોર વધશે
દિવાળીના તહેવારના એક પખવાડીયા બાદ હવે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી ગુલાબી ઠંડીનો અહેસાસ થતો રહેશે. દરમિયાન 15મી નવેમ્બર બાદ ઠંડીનું જોર વધે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગઇકાલથી વાતાવરણમાં થોડો પલ્ટો જોવા મળી રહ્યો છે. કાલે સાંજે ઠંડા પવન સાથે થોડી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. રાત્રિ દરમિયાન ઠંડીનું જોર થોડું વધ્યું હતું.
ગઇકાલે ઝાકળ વર્ષા થવા પામી હતી. આજે રાજકોટના લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. આજે રાજકોટનું મિનિમમ તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65 ટકા અને પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાક 6 કિ.મી. રહેવા પામી હતી. સવારે 8.30 કલાકે તાપમાનનો પારો 23.2 ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો. જો કે હજુ બપોરના સમયે ઉનાળા જેવા તડકા પડી રહ્યા છે. હજુ એકાદ સપ્તાહ સુધી મિશ્ર ઋતુનો અનુભવ થશે. ત્યારબાદ ઠંડીનું જોર વધશે. ડિસેમ્બરમાં હાડ થીજાવતી ઠંડી બોકાશા બોલાવશે. આજે સવારે ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે તેવી ઠંડીનો અહેસાસ શહેરીજનોએ કર્યા હતા. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ક્રમશ: સતત વધતું રહેશે.