ગુરૂવારે રાજયભરમાં સિઝનનો ઠંડો દિવસ નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીમાં ઘટાડો
ચાલુ સાલ શિયાળાની સીઝનમાં જાણે ઠંડી આંખ મીચોલી રમી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે રાજયમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયા બાદ બે દિવસમાં તાપમાનનો પારો 7 ડિગ્રી સુધી ઉંચકાય જતા જાણે ઠંડી ગાયબ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. સવારના સમયે થોડીવાર માટે ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે તેવી ઠંડી અનુભવાય હતી. પછી પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ રહેવા પામી હતી. રાજયમાં મોટાભાગના શહેરમાં આજે લધુતમ તાપમાનનો પારો ડબલ ડિજિટમાં પહોંચી જવા પામ્યો હતો. રાજકોટમાં આજે એક જ દિવસમાં તાપમાનનો પારો 6 ડિગ્રી સુધી ઉંચકાયો હતો. આવતા સપ્તાહની ફરી ઠંડીનો વધુ એક નવો રોઉન્ડ આવે તેવી સંભાવના જણાય રહી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લધુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા રહેવા પામ્યું હતું. પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. પ્રતિ કલાક રહયા પામી છે. સવારે 8.30 કલાકે તાપમાન 19 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ગઇકાલની સરખામણીએ આજે લધુતમ તાપમાન 6 ડિગ્રી સુધી ઉંચકાયો હતો. છેલ્લા બે દિવસમાં તાપમાનનો 7 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. સવારના સમયે થોડીવાર માટે ઠંડીનો અહેસાસ થયો હતો. બર્ફિલા પવનનું જોર પણ ઘટી જતાં લોકોને કાતીલ ઠંડીથી રાહત મળી હતી. જુનાગઢનું લધુતમ તાપમાન આજે 16.1 ડિગ્રી નોંધાયું હતું.
ભેજનું પ્રમાણ 78 ટકા અને પવનની સરેરાશ ઝડપ 1.9 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગીરનાર પર્વત પર તાપમાન ડબલ ડિજિટમાં અર્થાત 11.1 ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો. નલીયા સહીતના તમામ શહેરોમાં આજે તાપમાનનો પારો ઉંચકાયો હતો આગામી બે થી ત્રણ દિવસ ઠંડીમાં રાહત રહેશે ત્યારબાદ ઠંડીનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના જણાય રહી છે.